પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રારમ્ભ.
૬૯

વ્યૂહ રચેલો હતો. એ નિશ્ચય કરીને ચાણક્ય રાજમહાલયના પાછળના ભાગમાં આવી ત્યાં ફેરા ફરવા લાગ્યો. વસુભૂતિએ “આજ રાત્રે તું મને આવીને મળી જજે,” એમ લખેલું જ છે, એ વિશે તેના ચિત્તમાં અણુરેણુ માત્ર પણ શંકા હતી નહિ.

લગભગ એક પ્રહર રાત્રિ વ્યતીત થતાં ખરેખર જ વૃન્દમાલા રાજમહાલયના પાછલા ભાગમાં આવેલા દ્વારમાંથી બહાર નીકળી. ચાણક્ય તો માર્ગમાં સામે જ બેઠેલો હતો - તેણે તેને બહાર નીકળતાં અને દ્વારના અંતર્ભાગમાં કોઈને કાંઈ બુઝાવતાં જોયાં. તે એ દ્વારથી દૂર જ ઊભેલો હતો. તેનો હેતુ એ હતો કે, રાજમંદિરની આસપાસ ફરતાં કોઈ જોઈ ન લે તો વધારે સારું. એમાં પણ રાજમંદિરમાંની જ કોઈ વ્યક્તિ માટે તે ફરે છે, એવો સંશય તો કોઈના મનમાં આવવો ન જ જોઈએ.

ચાણક્યના તર્ક પ્રમાણે વૃન્દમાલા ખરેખર મહાલયમાંથી બહાર નીકળી, એ ઊપર કહેલું જ છે. તે નીકળીને વસુભૂતિના વિહારમાં જવાના માર્ગમાં ચાલવા લાગી. એની સાથે માત્ર એક પરિચારક જ હતો. વૃન્દમાલાને ચાણક્યે લગભગ માર્ગનો ત્રીજો ભાગ કાપી જવા દીધો, અને ત્યાર પછી. તેની આગળ નીકળી જઈ પાછો ફરીને તેના મુખ સામે આવીને ઊભેા રહ્યો – જાણે કે સામેથી જ આવતો હોયની ! એવો તેણે ભાસ કરાવ્યો. સામે આવતાં જ “કોણ, વૃન્દમાલા ! અહાહા ! ભગવાન કૈલાસનાથે જ તને આ વેળાએ મારા છુટકા માટે મોકલી આપી છે. વસુભૂતિ ભિક્ષુનું પત્ર તને આપીને હું અને સિદ્ધાર્થક નીકળ્યા, તે ચંડિકેશ્વરીના દેવાલય પાસે આવી પહોંચ્યા. ત્યાં મને દેવીનાં દર્શનમાટે મંદિરમાં જવાની સહજ ઇચ્છા થઈ આવી. ત્યાં બલિદાનના નામે બકરાં અને પાડા ઇત્યાદિ પશુઓની ઘણી જ હત્યા થતી હોવાથી સિદ્ધાર્થકે મને ત્યાં જવાની ના પાડી; પરંતુ મારી ઇચ્છા પ્રબળ થવાથી હું તો અંદર ગયો જ, અને એ ભિક્ષુની અવજ્ઞા કરવાનું ફળ પણ મને મળી ચૂકયું. હું કોણ જાણે કયા દરવાજેથી બહાર નીકળ્યો કે સિદ્ધાર્થક મને મળ્યો જ નહિ. હું પાછો મંદિરમાં ગયો અને અહીં તહીં ભટકીને જે દ્વારના બહારના ભાગમાં સિદ્ધાર્થક મારી વાટ જોતો ઉભેા હતો, તે દ્વારને શોધી કાઢવાનો ઘણોય પ્રયત્ન કર્યો – પ્રત્યેક દ્વારમાં હું રખડ્યો, પણ સિદ્ધાર્થક ક્યાંય જોવામાં આવ્યો નહિ અંતે હું નિરુપાય થયો અને માર્ગમાં ભટકવા લાગ્યો. એટલામાં હમણાં તને અચાનક જોઈ વૃન્દમાલે ! તું ક્યાં જાય છે? મારો જીવ તો ગભરાઈ ગયો છે - જો તું વસુભૂતિને ત્યાં જતી હોય, તો મને સાથે લેતી જા. જ્યારે અમે તારે ત્યાં આવતા હતા, ત્યારે વિહાર પ્રતિ પાછા ફરવાનો સઘળો માર્ગ મેં ધ્યાનમાં