પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

રાખ્યો હતો, પરંતુ આવ્યા હતા તે જ માર્ગેથી પાછા ન ફરવાથી – અર્થાત્ બીજો માર્ગ લેવાથી જ મારી ભૂલ થઈ ગઈ અને હું માર્ગમાં ભૂલો પડ્યો.”

ચાણક્યનો એ વૃત્તાંત સાંભળીને વૃન્દમાલાના મનમાં તેના માટે ઘણી જ દયા આવી અને તેથી તે તેને કહેવા લાગી કે, “વિપ્રવર્ય ! હું તને માર્ગમાં મળી ગઈ, એ ઘણું જ સારું થયું. તું તો ખેાટે જ માર્ગે ચાલ્યો જતો હતો. હવે મારી સાથે ચાલ. હું ગુરુજીના વિહારમાં જ જવાને નીકળી છું. તમે બે જણ જે પત્ર લાવ્યા, તેમાં મને વિહારમાં આવી જવાની જ આજ્ઞા કરવામાં આવી છે. ખરેખર મારો અને તારો મેળાપ થયો ન હોત, તો કોણ જાણે તારી શી દશા થઈ હોત! આજ દિશામાં જો તું ચાલ્યો ગયો હોત, તો આખી રાત ભટકતાં પણ તને માર્ગ મળ્યો ન હોત. અસ્તુ; થયું તે ઠીક જ થયું. હવે હું તને કૈલાસનાથના મંદિરમાં સુખરૂપ પહોંચાડી દઈશ. ભગવાન વસુભૂતિ અને સિદ્ધાર્થક બન્ને તારા માટે ચિંતામાં પડ્યા હશે. સિદ્ધાર્થકને કદાચિત્ વસુભૂતિએ તારા શોધ માટે પાછો પણ નગરમાં મોકલ્યો હોય, તો પણ આશ્ચર્ય જેવું નથી.”

“શું કરું? હું સર્વથા નિરુપાય થઈ ગયો. જે દ્વારમાંથી મેં મંદિરમાં પ્રવેશ કર્યો, તે દ્વાર મારા ધ્યાનમાં જ રહ્યું નહિ. એનો જ રહી રહીને મને શોક થયા કરે છે. વળી નગરી વિશાળ અને હું નવો પ્રવાસી, એટલે જોયા જેવી બની.” ચાણક્યે આ શબ્દોથી પોતાની નિર્દોષતાનું સોળે સોળ આના દર્શન કરાવ્યું.

એ સંભાષણ થવા પછી વૃન્દમાલા અને ચાણક્ય બન્ને પોતાને માર્ગે પડ્યા. ચાલતાં ચાલતાં ચાણક્ય તેને કહેવા લાગ્યો કે, “વૃન્દમાલે! ગઈ કાલે ગુરુજી સમક્ષ તે જે તારી સ્વામિનીનો વૃત્તાંત કહી સંભળાવ્યો, તે સાંભળીને મારું મન ઘણું જ ઉદ્વિગ્ન થઈ ગએલું હતું. તારા ગયા પછી મારું અને વસુભૂતિનું એ વિશે લાંબુ લાંબુ સંભાષણ ચાલ્યું હતું – તેમણે મને મુરાદેવીનો સઘળો પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને તો વળી મને વધારે શોક થયો. બિચારીનાં કેવાં દુર્ભાગ્ય!”

“હા - દુર્ભાગ્ય તો ખરાંજ !” વૃન્દમાલાએ કહ્યું, “પરંતુ હવે તે દુર્ભાગ્યના સ્મરણથી જીવને સંતાપમાં નાખવાથી અને આકાશમાં દુર્ગ બાંધી તેમાં રહેવાની કલ્પના કરવાથી શો લાભ મળવાનો હતો? એવા વિચારોથી પોતાની હાનિ વિના બીજું કાંઈ પણ ફળ થવાની આશા નથી.”

“વૃન્દમાલે ! તું પણ આમ બોલે છે કે ?” ચાણક્ય પોતાના વિચારોનું મંગળાચરણ કરતા બોલ્યો. "શું સ્ત્રીઓ જે પ્રતિજ્ઞા કરે છે તે પૂરી નથી