પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
પ્રારમ્ભ.

જ થઈ શકતી? માત્ર મુરાદેવી આવી પ્રતિજ્ઞા ન કરે તો સારું ખરું; પણ કેટલીક સ્ત્રીઓએ કરેલી આવી પ્રતિજ્ઞાઓની સિદ્ધિનાં પણ અનેક ઉદાહરણો મારા જાણવામાં છે. એનો જરાપણ અપરાધ ન છતાં એના નામને અને પિતૃકુલને કલંકિત કરનારો આરોપ એના શિરે મૂકવામાં આવ્યો અને અંતે એના પુત્રનો પણ ઘાત કરવામાં આવ્યો, એના કરતાં એના દીર્ધ દ્વેષ માટે બીજું વધારે પ્રબળ કારણ તો શું જોઇએ વારુ?”

ચાણક્યે એ વાક્યો કાંઇક આવેશથી ઉચ્ચાર્યાં, એથી વૃન્દમાલાના મનમાં આશ્ચર્ય થતાં તે આવા અંધકારમાં પણ તેને વિલક્ષણ દૃષ્ટિથી જોવા લાગી. થોડીકવાર તો તે કાંઈપણ બોલી નહિ. અંતે તેણે મૌન્યનો ભંગ કરીને કહેવા માંડ્યું કે:-

“બ્રહ્મવર્ય ! તું કહે છે તે વાત ખરી છે, અમને પણ એમ જ જોવામાં આવે છે. પરંતુ જેમ કોઈ પર્વત આવીને શરીર પર પડ્યો હોય, તો તેની નીચે દબાઈને મરી જવા વિના બીજો કોઈ પણ ઉપાય આપણા હાથમાં હોતો નથી, તેવી જ રીતે જ્યાં રાજાએ જ અન્યાય કર્યો હોય, ત્યાં બીજા કોઈથી શું થઈ શકે વારુ ? ન્યાય માગવો કોની પાસેથી ? કેમ ખરું કે ખોટું?”

“હું ખોટું નથી કહેતો. અક્ષરે અક્ષર ખરું પણ રાજાના અન્યાયમાટે ન્યાય આપનાર શ્રી કૈલાસનાથ તો છે જ, તેના નામથી જે આપણે ઉદ્યોગ કરવા માંડ્યો હોય, તો આપણને વિજય મળવાની પૂરેપૂરી સંભાવના છે.” ચાણક્યે પુનઃ પોતાના બુદ્ધિવાદને આગળ મૂક્યો.

પરંતુ વૃન્દમાલાએ એનું કાંઈ૫ણ ઉત્તર આપ્યું નહિ, એટલે થોડી વાર રહીને ચાણક્ય પુનઃ તેને કહેવા લાગ્યો કે, “વૃન્દમાલે! તારા બોલવા ઉપરથી હું સ્પષ્ટ સમજી શકું છું કે, તું પોતાની સ્વામિનીના સંરક્ષણ માટે ગમે તેવું સાહસ કરવાને તૈયાર થાય એમ છે.”

“જો મારી સ્વામિનીની સંરક્ષા થતી હોય, તો ગમે તે સાહસ હું કરીશ. એ વિશે તિલમાત્ર પણ સંશય કરવો નહિ. જો પ્રાણ આપવાનો પ્રસંગ આવશે, તો પ્રાણાહુતિ પણ આપીશ. એથી વધારે બીજું તે શું હોઈ શકે?” વૃન્દમાલાએ પૂર્ણ આવેશથી એ વાક્ય ઉચ્ચાર્યાં. એ સમયે તેની મુખમુદ્રામાંથી સ્ત્રીની સ્વાભાવિક મૃદુતાનો સર્વથા લોપ થઈ ગયો હતો, અને તેનું સ્થાન કોઈ એક શુરવીર પુરુષને યોગ્ય હોય, એવાં શૌર્ય અને ગાંભીર્યે લીધું હતું.

“ધન્ય ! સ્વામિનિષ્ઠા હોય તો આવી જ હોવી જોઇએ. તને મેં ગઈ કાલે જોઈ ત્યારથી જ મારો નિશ્ચય થઈ ચૂક્યો હતો, કે તું ખરી