આવનારા વિચારો મનને સબળતાથી ઘેરીને બેસી જાય છે અને તે પાણીમાં મળી ગએલી ધૂળ પ્રમાણે માત્ર ઝટકવાથી દૂર થઈ નથી શકતા. ગમે તેટલો તેને કાઢી નાંખવાનો પ્રયત્ન કરો, પણ પોતાનો થોડો ઘણો પણ સારો નઠારો પ્રભાવ તે પોતે પડેલા હોય, તે સ્થાનમાં રાખી જ જવાના. રાજા ધનાનન્દ પોતાના મનમાંના એ વિચારોને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ એ વિચારો દૂર થઈ ન શક્યા; એટલું જ નહિ, પણ જેમ જેમ એ વિચારોને કાઢવાનો તે પ્રયત્ન કરતો ગયો, તેમ તેમ એ વિચારોની પ્રબળતા વધારે ને વધારે થવા લાગી અને રહેતાં રહેતાં એ જ વિચારોમાં તેને ખેદ સાથે થોડાક આનંદનો પણ ભાસ થવા લાગ્યો. અર્થાત્ પરિચારક પાસે ન હોવા જોઈએ, એમ તેને ભાસ્યું. મનની એવી વિચિત્ર સ્થિતિમાં તે બેઠેલો હતો, એટલામાં વેત્રવતી ત્યાં ધીમે ધીમે આવી અને હાથ જોડી તથા ગોઠણ મંડીએ પડીને વિનતિ કરવા લાગી કે, “દેવ! અંત:પુરમાંની એક પરિચારિકા એક પત્રિકા લઈને આવેલી છે અને “એ પત્રિકા મહારાજને પોતાને જ હાથો હાથ આપવાની અમારી દેવીની આજ્ઞા છે, એમ તે કહે છે. મહારાજની આજ્ઞા મળે ત્યાં સુધી આપણા વિનયશાળી કંચુકીએ તેને દ્વારપર જ રોકી રાખી છે. હવે મહારાજની જેવી ઇચ્છા."
વેત્રવતીનું એ ભાષણ સાંભળતાં જ મહારાજ ધનાનન્દના હૃદયમાં એક પ્રકારની અસ્વસ્થતા થવા માંડી.”વેત્રવતિ ! તું શું કહે છે? દેવીની પરિચારિકા આવેલી છે? દેવીની પરિચારિકા અને તે અત્યારે પત્રિકા લઈને આવી છે ? વળી તે મને પોતાને જ હાથો હાથ પત્ર આપવા ઇચ્છે છે, એવું તે એ પત્રિકામાં શું હશે વારુ?” એ પ્રમાણે અર્ધ વેત્રવતીને ઉદ્દેશીને અને અર્ધ મનસ્વી જ બોલીને થોડીક વાર સુધી રાજા કાંઇપણ બોલ્યા ચાલ્યા વિના સ્વસ્થ થઈ બેસી રહ્યો. વેત્રવતી પણ પોતાને સ્થાને જ સ્તબ્ધ થઇને ઊભી હતી. છેવટે રાજા ધનાનન્દના મનમાં એમ આવ્યું કે, જો હું આવી જ રીતે બેઠો બેઠો આ ભયંકર વિચારોમાં ગુંથાયલો રહીશ, તો એ વિચારો વળી બીજા વિચારોને જન્મ આપશે. એના કરતાં આ આવેલા નવીન કાર્યમાં ચિત્તને પરોવવું એ વધારે સારું છે.” એવી ધારણાથી તેણે વેત્રવતીને કહ્યું કે, “વેત્રવતિ ! જા, અને એ પરિચારિકાને અહીં મારા સમક્ષ લઈ આવ. વિનયંધર પ્રતિહારીને મારી આજ્ઞા કહી સંભળાવજે.”
આજ્ઞા મળતાં જ વેત્રવતી ગઈ અને ક્ષણવારમાં તે પરિચારિકાને અંદર લઈ આવી. પરિચારિકાએ પણ આવતાંની સાથે જ મહારાજ સમક્ષ યોગ્ય