પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
પહેલું પગથિયું.

જાનુક્ષેપન કરીને મસ્તકપર અંજલિ ધરી અને મહારાજને વિનવીને કહ્યું કે, “દેવ! દેવીએ આ પત્રિકા આપેલી છે, અને એને વાંચીને દેવ જે આજ્ઞા કરે, તે પોતાને સંભળાવવાની મને તાકીદ પણ આપેલી છે. માટે મહારાજાએ વાંચીને ઇચ્છા પ્રમાણે સત્વર આજ્ઞા આપવાની દાસી પર કૃપા કરવી.”

રાજા ધનાનન્દે તે પરિચારિકાને ધારીને જોઈ પણ તે વિશેષ પરિચિત હોય એમ તેના જોવામાં આવ્યું નહિ, એને એકાદવાર જોએલી છે, એટલો જ માત્ર તેને ભાસ થયો; પણ ક્યાં અને કયા પ્રસંગે એને જોએલી હતી, એનું તેને સ્મરણ થઈ ન શક્યું. તથાપિ પરિચારિકા વિશે વિશેષ ઊહાપોહ ન કરતાં તેણે પત્રિકા ઉઘાડીને મનમાં જ વાંચવાનો આરંભ કર્યો. તેમાં નીચે પ્રમાણેની વિગત વર્ણવેલી હતી.

“સ્વસ્તિ. મહારાજાના મનમાં આ મારા પત્રલેખનથી કદાચિત્ વધારે કોપ થશે. કદાચિત્ આ ચરણદાસીને જેવી રીતે પૂર્વે રાખી હતી, તેવી જ સ્થિતિમાં રાખવાની પણ ધારણા થશે. પરંતુ માત્ર એક જ વાર દર્શનનો લાભ આપીને આ દાસીની વિજ્ઞપ્તિ સાંભળશો, તો ઘણો જ ઉપકાર થશે. કુમાર સુમાલ્યના યૌવરાજ્યાભિષેકના મહોત્સવ પ્રસંગે જેવી રીતે આ દાસીનું સ્મરણ કરીને બંધનમુક્ત કરવાની આપે કૃપા કરી હતી, તેવી રીતે અત્યારે પણ કૃપા કરશો જ. આપના હૃદયમાંથી આ દાસીનું વિસ્મરણ તો થયું નથી જ, એ ખુલ્લું છે. અને આપના હૃદયમાં હજી મારું સ્મરણ રહેલું છે, તેથી જ આ પત્રલેખનનું અને આ વિજ્ઞપ્તિ કરવાનું આ દાસીએ આ દુષ્કર સાહસ કરેલું છે. જેવી રીતે સ્વાતિ બિંદુની પ્રાપ્તિ માટે ચાતકીની અથવા પોતાના પતિનાં પુનર્દર્શન માટે નિશા સમયે વિયોગિની ચકોરી અત્યંત ઉસુક થાય છે, તેવી જ રીતે આ મુરા આપના દર્શનની પ્રતીક્ષા કરતી બેઠેલી છે. આર્યપુત્ર જે કાંઈ પણ ઇચ્છે, તે કરવા માટે સંપૂર્ણ રીતે સમર્થ છે જ.”

પ્રથમ પ્રથમ તો કેટલીક પંક્તિઓ વાંચતાં સુધી એ પત્ર કોનું છે, એ ધનાનન્દના ધ્યાનમાં આવ્યું નહિ; પરંતુ અર્ધ પત્ર વંચાયા પછી પત્રની લખનારી વિશે શંકા થતાં અંતના બે શબ્દોથી તેનું પણ નિરાકરણ થઈ ગયું. પત્ર લઈને આવેલી પરિચારિકા પાસે ઊભેલી જ હતી. તેને એકવાર રાજાએ પાછી નિહાળીને જોઈ અને પુનઃ એકવાર પત્રિકા વાંચી. થોડીકવાર તે વિચારમાં પડી ગયો. ત્યાર પછી એકાએક તેણે પરિચારિકાને આજ્ઞા આપતાં કહ્યું કે, “પરિચારિકે ! જા તું તારી સ્વામિનીને કહે કે, મહારાજ હમણાં જ તારા અંતઃપુરમાં પધારશે. મુરાના અંતઃપુરનો માર્ગ મને વેત્રવતી દેખાડશે.”