પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
પહેલું પગથિયું.

મહારાજના સત્કાર માટે તે સઘળી તૈયારી કરવાને ઊઠી. તેના શરીરમાં આભૂષણો કાંઈ ઘણા તો હતાં જ નહિ; પરંતુ જે ચાર પાંચ હતાં, તે પણ તેણે કાઢી નાખ્યાં. રેશમી વસ્ત્રો પહેરેલાં હતાં તેમને ઉતારીને તેણે સાદાં શ્વેત વસ્ત્રો પરિધાન કર્યો. ગળામાં માત્ર એક જ મોતીનો હાર રહેવા દીધો. અને સર્વથા અસ્તવ્યસ્ત પણ નહિ અને સર્વથા સુવ્યવસ્થિત પણ નહિ, એવી કેશરચના કરીને તેમાં તેણે એક મદનબાણનું પુષ્પ ખોસી રાખ્યું. ત્યાર પછી આજે દશ પંદર દિવસથી પોતાના મુખમાં જે ક્રોધની છટા દેખાતી હતી અથવા તો કવચિત્ કવચિત્ માત્સર્યનું તેજ દૃષ્ટિ- ગોચર થતું હતું, તે સર્વને દેશવટો આપીને તેણે એક વિરહિણી વનિતા પ્રમાણેની કળાને પોતાની મુખમુદ્રામાં સમાવેશ કર્યો. એ સર્વ પોતાની ઇચ્છા પ્રમાણે થયું કે નહિ, એના નિશ્ચય માટે તેણે એકવાર દર્પણમાં પોતાના મુખનું અવલોકન કર્યું અને મહારાજના આગમનની વાટ જોતી બેઠી. તે બેઠી બેઠી મહારાજના આવ્યા પછી તેની સાથે કેવી રીતે ભાષણ કરવું, કેવી રીતે હસવું અને અમુક પ્રસંગે અમુક ચરિત્રો કેમ કરી બતાવવાં, એ વિશેની યોજનાનો વિચાર કર્યા કરતી હતી. અર્થાત્ બેઠેલી પણ તે ઉદ્યોગહીન નહોતી.

થોડા જ સમયમાં મુરાદેવી પોતાની સર્વ સામગ્રી તૈયાર કરી રહી, એટલામાં તો મહારાજા આવી પણ પહોંચ્યા. તે ત્યાં પહોંચતાં જ વેત્રવતી તેને “અહીં અહીં દેવ ! મુરાદેવી આપની વાટ જોતાં બેઠાં છે.” એમ કહીને ત્યાંથી ચાલી ગઈ. વેત્રવતીએ ત્યાંથી ગમન કરતાં જ મુરાદેવી અત્યંત ઉદ્વેગજનક સ્વરથી રાજાને ઉદ્દેશીને કહેવા લાગી કે, “આર્યપુત્ર, મને સર્વથા અપરાધિની જાણીને આપે આજ સુધીમાં મારો તિરસ્કાર કર્યો તે કર્યો; પરંતુ હવે તો મારાપર કૃપાદૃષ્ટિ રાખો.” એમ કહીને રાજાનાં ચરણોમાં પોતાનું મસ્તક રાખીને તે ચરણોને મુરાદેવીએ પોતાનાં ઉષ્ણ અશ્રુથી ભીંજાવી નાખ્યાં. તેનો કંઠ એ વેળાએ એટલો બધો સદ્દગદિત થએલો હતો અને તે એટલા બધા આર્ત સ્વરથી શોક કરતી હતી કે, રાજાનું મન તેથી તત્કાળ પીગળી ગયું અને તેણે તેને ઉઠાડીને કાંઈ પણ ઉત્તર ન આપતાં એકાએક પોતાના અંકમાં સ્થાન આપ્યું. મુરાદેવીની કરુણાર્દ્ર પરંતુ સુંદર મુદ્રાને જોતાં જ રાજાનું મન પાછું તેનામાં લોભાઈ ગયું. એ વેળાએ ઉપર કહ્યા પ્રમાણે શુભ્ર વસ્ત્રોના પરિધાનથી, અલંકાર રહિત હોવાથી અને શિરોભાગે માત્ર એક જ મદનપુષ્પ ધારણ કરેલું હોવાથી મુરાદેવી ઘણી જ સ્વરૂપસુંદર દેખાતી હતી. નિ:સર્ગમધુર સ્વરૂપ સ્વાભાવિક રીતે જ અતિશય ચિત્તાકર્ષક હોય છે, એમાં શંકા જેવું કશું પણ નથી. મુરાદેવી