પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

સ્વરૂપમાં ઘણી જ ઉત્કૃષ્ટ હતી - અર્થાત્ તેને પોતાના સૌન્દર્યનું દર્શન કરાવવા માટે અલંકાર આદિ બાહ્ય ઉપચારોની બિલ્કુલ આવશ્યકતા હતી નહિ. વળી હાલમાં તો તે પ્રૌઢા થએલી હોવાથી એ શુભ્ર વસ્ત્રો, શુભ્ર અને સતેજ મૌક્તિક માળા અને મદન બાણનું સુંદર સુમન તેના શરીરને બહુ જ શોભાવતાં હતાં. એ મદનબાણના પુષ્પથી જ રાજાનું ચિત્ત અત્યંત વિહ્વળ થઈ ગયું, એમ કહેવામાં કાંઈપણ અતિશયોક્તિ થવાની નથી. વિશેષમાં મુરાદેવીએ વળી પોતાનાં નમ્ર વાક્યેાથી, કેટલાક પ્રેમ શબ્દોથી, નેત્ર કટાક્ષોથી અને વિરહ-ઉદ્દગારોથી ધનાનન્દને સર્વથા પરાજિત જ કરી દીધો. આજે પ્રથમ જ પત્ર લખીને એકદમ તે મહારાજને મોકલવાનું સાહસ કર્યું, તેમાં મુરાદેવીને સારી સફળતા પ્રાપ્ત થઈ. પત્ર લખવા પહેલાં મુરાદેવીની એવી ધારણા હતી કે, “આજે પત્ર તો લખું, જો તેનો ઉપયોગ થયો, તો તો ઠીક - નહિ તો બીજીવાર લખીશું – બીજી વાર પણ સિદ્ધિ ન મળી તો ત્રીજી વાર – એવી રીતે પ્રયત્ન ચાલુ રાખીને મહારાજને અંત:પુરમાં તો બેલાવવા જ અને તે આવ્યા અને મારી સાથે બે વાતો કરી - એટલે મારા દાસ થયા જ.” પરંતુ એ ધારણા પ્રથમ પ્રયાસમાં જ ફળીભૂત થઈ, એટલે તેના હૃદયમાં અત્યાનન્દ થાય, એમાં આશ્ચર્ય શું? તથાપિ એ આનન્દનો તેણે પોતાના મુખમાં ભાસ થવા દીધો નહિ, “મારી ભૂર્જપત્રપર લખેલી પત્રિકાને માન આપી મહારાજ અહીં પધાર્યા અને મને ચરણમાં પડેલી જોઈ હસ્તનો આશ્રય આપી ઉઠાડી, એથી હું આર્યપુત્રની ઘણી જ આભારી થએલી છું.” એમ તેણે પોતાના ભાષણથી, હાવભાવથી અને મુખમુદ્રાથી રાજાને પ્રત્યક્ષ દેખાડી આપ્યું. મહારાજ ધનાનન્દના મનમાં એનું ઘણું જ વિલક્ષણ પરિણામ થયું અને પ્રેમપૂર્વક તે કહેવા લાગ્યો કે, “પ્રિયે ! હવે ઘણું થયું – વધારે વિનયની હવે કાંઈપણ આવશ્યકતા નથી. વ્યર્થ શોક ન કર – જે વાત બની ગઈ, તે વિશે હવે વધારે ખેદ કરવામાં કાંઈપણ સાર નથી. તે કાળ જ કોઈ કુકાળ હતો - મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી; પરંતુ આજે તને જેતાં જ મારા મનની વૃત્તિઓ બદલાઈ ગઈ છે. સત્તર વર્ષના કારાગૃહવાસથી તારી આ કેવી વિરહાવસ્થા થઈ ગઈ છે, એ જોતાં તે વેળાએ ખરેખર જ મારી ખોટી સમજૂત થએલી હોવી જોઈએ, એમ જ મને જણાય છે. નહિ તો મારાવિશેનો તારો પ્રેમ આવો અચલ રહેવા પામ્યો ન હોત. હવે ચિન્તા કરીશ નહિ. યદાકદાચિત્ તારા હસ્તે કોઈ અપરાધ થઈ પણ ગયો હશે, તોપણ તારે તેની ભીતિ રાખવાની નથી. તેનું જે કાંઈ પણ પ્રાયશ્ચિત્ત મળવાનું હતું તે તને અને મને ઉભયને યથાયોગ્ય મળી ચૂક્યું છે. પણ હવે તેનું વિસ્મરણ જ કરવું ઉચિત છે. પ્રિય મુરાદેવી, મેં તારો