પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
પહેલું પગથિયું.

વિનાકારણ જ છળ કર્યો ને ? હા - હું કેવો ક્રૂર, કેવો નીચ, કેવો અધમ અને કેવો પાપી કે નિર્દોષને દૂષિત બતાવવામાં મેં આગળ પાછળનો લેશ માત્ર પણ વિચાર કર્યો નહિ ?” રાજાના નેત્રમાંથી અશ્રુનું વહન થયું.

“આર્યપુત્ર ! મારાથી એમ કેમ બોલાય ? આપના હસ્તે કોઈપણ અન્યાયનું વર્તન કેમ થઈ શકે ? મારો તો નિશ્ચય છે કે, આપનાથી અન્યાય કોઈ કાળે પણ થવાનો નથી. પરંતુ મારાં જ દુર્ભાગ્ય કે, આપને સત્ય સ્થિતિનું જ્ઞાન થઈ ન શક્યું. પણ એમાં મારો કિંવા તમારો શો ઉપાય ચાલી શકે એમ હતું વારુ ? આપના શિરે હું લેશ માત્ર પણ દોષારોપણ કરતી નથી. એ દોષ મારા દુર્દૈવને જ આપું છું. છતાં પણ આપ સમક્ષ એટલી પ્રાર્થના કરું છું કે, મને આપવામાં આવેલા લોકાપવાદ અને કારાગૃહવાસને હું બિલકુલ પાત્ર નહોતી. હું નિર્દોષ હતી. હું ખરેખર કિરાતરાજાની કન્યા - એકની એક પુત્રી – કે જેનું ક્ષાત્ર ધર્માનુસાર ગાંધર્વ વિધિથી આપે પાણિગ્રહણ કર્યું હતું, તે આજે પુનઃ સદ્ભાગ્ય યોગે આપનાં દર્શન કરીને પોતાના નેત્રોને ધન્ય માને છે. હવે ભવિષ્યમાં મારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવાનું વચન આપો.” મુરાદેવીએ પોતાના કપટજાળને વિસ્તારવાને યત્ન આદર્યો.

એ સંભાષણ સમયે મુરાદેવીની શરીર ચેષ્ટાઓ એટલી બધી નૈસર્ગિક અને મનોમોહક હતી, તેનું વર્તન એટલું બધું ચિત્તાકર્ષક હતું અને દૃષ્ટિપાત તથા ભ્રકુટીવિલાસ એવી રીતે ચાલેલા હતા, કે કોઈ ચતુર પારધીની જાળમાં જેવી રીતે કૃષ્ણમૃગ સપડાઈ જાય છે અને પ્રત્યેક પગલે તે વધારે ને વધારે જાળમાં ગુંચવાતું જાય છે, તોપણ પારધીના વેણુના નાદથી મોહાઈને સ્તબ્ધતાથી ઊભું રહે છે અને તેના બાણથી વીંધાઈને મરી જાય છે અથવા તો જીવતું જ જાળમાં ફસાઈ જાય છે; તેવી જ ધનાનન્દની અવસ્થા થએલી હતી. મુરાદેવીના મધુર અને મનોમોહક સ્વરથી મોહ પામીને અને તેનાં નેત્રકટાક્ષોથી વીંધાઈને રાજા તેના વાક્‌જાલમાં પૂર્ણપણે સપડાઈ ગયો. સત્તર વર્ષ પહેલાં જે વેળાએ ધનાનન્દનો સેનાપતિ કિરાતરાજાને જિતી તેની પુત્રીનું હરણ કરી આવ્યો હતો, તે વેળા કરતાં પણ મુરાદેવી આજે પોતાની પ્રૌઢ અવસ્થામાં વિશેષ રમણીય દેખાતી હતી. એટલે રાજા પુનઃ તેને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે:-

“પ્રિય મુરે! તારે એની હવે જરા જેટલી પણ શંકા રાખવી નહિ. આજની રાત્રિ હું તારા મંદિરમાં જ વીતાડીશ અને આજે ભોજન પણ આપણે સાથે જ કરીશું. મારી વિનતિ માત્ર એટલી જ છે કે, વીતેલી વાર્તાનું