પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
બીજું પગથિયું.

પણ ઉપાયે વસુભૂતિ સાથે એની વાતચિત થાય, એવો પ્રસંગ લાવીશું ને એકવાર એમનું પરસ્પર સંભાષણ થયું એટલે પછી ભગવાન વસુભૂતિ માર્ગને નિષ્કંટક બનાવી નાંખશે.” વૃન્દમાલા જ્યારે આવા વિચારોમાં હતી, ત્યારે મુરાદેવીના મનમાં વળી બીજા જ વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. પોતાના વૈરનો બદલો લેવાનું કામ ફતેહમંદીથી પાર પાડવા માટે શા ઉપાયો કરવા અને તેનો આરંભ કેવી રીતે કરવો, એ વિશેના વિચારો એક પછી એક તેના મનમાં થયા કરતા હતા. તે નીચે પ્રમાણે હતા;-

“પ્રથમ કાર્ય તો એ છે કે, રાજાનું અને મારું પરસ્પર દર્શન અને સંભાષણ થવું જોઈએ. પણ તે થાય કેવી રીતે? જો હું જ પોતે ચાલ ચલાવીને રાજસભામાં રાજા સમક્ષ જઈને ઉભી રહું, તો તે શક્ય નથી અને ઇષ્ટ પણ નથી; કારણ કે, સર્વ લજજાનો પરિત્યાગ કરીને રાજસભામાં અથવા તો જ્યાં રાજા બેઠા હોય ત્યાં જવું કેવી રીતે? ને કદાચિત જાઉં, તોપણ ત્યાં મારું અપમાન નહિ થાય, એનો શો નિશ્ચય ? અને એવી રીતે અપમાન કરવામાં આવે, તો તેનું પરિણામ શું આવે? કદાચિત્ મહારાજા પોતે અપમાન ન પણ કરે, પરંતુ બીજી રાણીઓ અને તેમના પક્ષના મનુષ્ય દ્વારા અપમાનની વિશેષ સંભાવના છે. અર્થાત્ પોતાના સ્થાનને છોડવાથી કાર્યની સિદ્ધિ કોઈ કાળે પણ થવાની નથી. ત્યારે બીજો ઉપાય શો? એ જ કે અચિન્ત્ય ક્યાંક મહારાજાની દૃષ્ટિએ પડવું:–પણ હાલની સ્થિતિ જોતાં એમ થવું પણ સંભવિત દેખાતું નથી. બીજી રાણીઓએ પોતાના મંડળમાંથી મને દૂર કરેલી છે, માટે તેમના મંડળમાં જઈને પાછું કેમ બેસી શકાય? અને તેમના મંડળમાં ન બેસાય, તો અચિન્ત્યરીતે મહારાજની દૃષ્ટિએ પડીને કાર્ય સાધવાની આશા રાખવી પણ વ્યર્થ છે. ત્યારે ત્રીજો ઉપાય માત્ર એ જ કે, સાહસ કરીને મહારાજના નામે એક પત્ર લખવું, અને તે પત્ર મારી પરિચારિકા વૃન્દમાલા દ્વારા મોકલીને તે મહારાજાના પોતાના જ હાથમાં જાય એવી વ્યવસ્થા કરવી. એ પત્ર તેમને પહોંચે, તો જ આપણા કાર્યની સિદ્ધિનો કાંઈક સંભવ રાખી શકાય; અન્યથા તેમ થવું સર્વથા અસંભવિત છે. એ સંભવ પ્રમાણે જો સર્વ થયું, તો તો ઉત્તમ જ, નહિ તો ગયા સોળ વર્ષમાં જે સ્થિતિ હતી, તેથી વધારે ખરાબ સ્થિતિ તો થવાની નથી જ” એવો દૃઢ નિશ્ચય કરવા પછી જ તેણે વૃન્દમાલાને ગત પ્રકરણમાં જણાવેલું પત્ર રાજાને આપવા માટે આપ્યું હતું અને કહ્યું હતું કે, “ગુપ્ત રીતે અને કોઈને પણ જાણ થયા વિના એ પત્ર રાજાને પહોંચે એવી વ્યવસ્થા કરજે. એકદમ તારું કે મારું નામ જણાવીશ નહિ; મોઘમમાં એટલું કહેજે કે, 'હું