પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તેણે પોતાના મુખના સ્વરૂપને ભયંકર બનાવી નાંખ્યું અને મહારાજ નિદ્રાવશ થએલા છે, એનું ભાન જ રહ્યું ન હોય, તેમ મોટેથી પોકાર કરીને કહ્યું કે, “શું ખરેખર એમ જ છે? મારા માટેના તેમના હૃદયના મત્સરની મર્યાદા હવે એટલી બધી વધી ગઈ છે ! ના ના - એમ તો ન જ હોય - તું અસત્ય ભાષણ કરે છે - નીચ જા તારું કાળું કર ! ક્ષણ માત્ર પણ અહીં ઊભી રહીશ નહિ – નીચ ક્યાંકથી ઉડતી વાત સાંભળી આવી હશે, તે પોતે પ્રિય થવાને મને કહી સંભળાવે છે – ખુશામદી ગુલામડી જો એમ જ હશે, તેા આજથી મહારાજને જમવાના સર્વ પદાર્થોની હું પોતે પ્રથમ જમીને પરીક્ષા કરીશ અને ત્યાર પછી જ તેમને જમાડીશ. બનતાં સૂધી તો સ્વયંપાક હું પોતે જ કરીશ. મત્સરના પર્વતની આટલી બધી ઉચ્ચતા થશે, એવું મને સ્વપ્નમાં પણ ભાસતું ન હતું. બાઈ ! હવે હું શું કરું?”

એમ કહીને તેણે જાણે અંગમાં રોમાંચ ઊભાં થયાં હોય, તેમ દેખાડવાને શરીરને કંપાયમાન કર્યું અને એક દીર્ઘ નિઃશ્વાસ નાંખીને સ્વસ્થ બેસી રહી. જાણે મહારાજાને એ ભયંકર વિપત્તિમાંથી કેવી રીતે બચાવવા, એના જ વિચારમાં તે નિમગ્ન થએલી હોયની, એવો ભાસ તેણે કરાવ્યો.

ધનાનન્દ ખરેખર નિદ્રાવશ થએલો નહોતો. અર્થાત્ દાસીનું અને મુરાદેવીનું જે ભાષણ થયું, તે તેણે અક્ષરે અક્ષર આદિથી અંત પર્યન્ત સાંભળ્યું. પ્રથમ દાસી આવી, અને તેણે “મહારાજ નિદ્રાવશ થએલા છે, એ સારું થયું.” એવા શબ્દો ઉચ્ચાર્યો, એ સાંભળતાં જ રાજાના મનમાં ઊઠવાનો અથવા તો પોતે જાગૃત છે, એમ દેખાડવાનો વિચાર થઈ આવ્યો. પરંતુ તરત જ એ શું કહે છે, મારા સાંભળવા જેવી ન હોય, એવી એ શી વાત છે તે સાંભળીને પછી જ ઊઠવું, એવો તેણે નિશ્ચય કર્યો, અને તેથી પોતાને ઘણી જ નિદ્રા છે, એમ દેખાડવાનો વિશેષ પ્રયત્ન આદર્યો. મુરાદેવી એક ચતુર ચપળા હતી, તે એ રહસ્યને જાણી ગઈ અને તેથી તેને ઘણો જ આનન્દ થયો. વ્યૂહની રચના સારી થઈ અને એમાં વિજય પણ મળવાનો જ, એવો તેનો નિશ્ચય થઈ ગયો. રાજાએ એ બન્નેનું સમસ્ત સંભાષણ સાંભળ્યું. માત્ર અંતે સુમતિકા દાસી મુરાદેવીના કાનમાં શું બબડી, એ તેનાથી સમજી શકાયું નહિ, એથી તેની ઉત્સુકતામાં ઘણો જ વધારો થયો, પાછળથી મુરાદેવીએ જે આવેશદર્શક ઉદ્દગારો કાઢ્યા, તેથી તો રાજાની ઉત્કંઠાનો પાર જ રહ્યો નહિ. સુમતિકા ત્યાંથી ચાલી જવાની તૈયારીમાં હતી અને મુરાદેવી નિઃશ્વાસ નાંખતી બેઠી હતી કે, રાજા ધનાનન્દ પલંગમાં એકદમ ઊઠીને બેઠો થયો અને મુરાદેવીને