પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૮
આ તે શી માથાફોડ
 

ચંદન કહે : “મારા બાપુએ તો કીધું છે કે હું કહીશ એમ કરવાનો ખરો; પણ કોઈક વાર વખતે ન યે થાય. કામકાજ કે એવું હોય તો ન પણ બને.”

રમણ કહે : “તે તો બરાબર. પણ રોજ ખોટાં ખોટાં બહાનાં કોઈ કાઢે તે તો ન ગમે. કાં તો હા પાડે ને કાં તો ના પાડે, તો એક જ વાત કે પછી વારે વારે યાદ ન આવે.”

વિમળ કહે : “એમ કરતા હોય તો તો સારું જ ના ! રોજ ને રોજ વાટ તો ન જોઈએ ? આખો દિ' થાય કે 'હેઈ, આજે આમ થશે !' ને પછી છેવટે ના પાડે એટલે ઢીલાઘેંશ થઈ જવાય. આવું આવું તો મને ન ગમે !”

: ૭૨ :
ભણતરના ખ્યાલો



વાળુ પછીનો વખત હતો. બાપુએ બૂમ પાડી કહ્યું: “ચાલો લેસન કરવા બેસી જાઓ. “રૂખી, ચંપા, નટુ, નવલ લેસન કરવા એકઠાં થયાં.

રાધાને આવતાં વાર લાગી ને બાપુએ ધમકાવી: “રાધા ! જો રોજની જેમ ધીમે ધીમે આવે છે. પછી કેમે કરી પૂરું જ નહિ થાય. બધાએ ચોપડીઓ કાઢી ને પાઠો ગોખવા માંડ્યા.

ઓરડામાં ગડબડ ગોટાળો થઈ રહ્યો. બાપુ કહે: “જો નટુ, આડું અવળું જોઈ રમત કરે છે ? આમ ભીંત સામે જોઈને બેસ. જો પછી બીજે ધ્યાન ન જાય.”