પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૦
આ તે શી માથાફોડ
 


બાપુએ પછી વાર્તા માંડી, રેવુની આંખમાં ઊંઘ આવે પણ માળો ટટ્ટાર થઈને બેઠેલો ! જગુ તો જાણે ધ્યાન ધરવા બેઠો; હલે કે ચલે. કાન દઈને વાર્તા સાંભળ્યા જ કરે ! રાધા ને કુસુમને વાતો કરવી બહુ ગમે, પણ વાર્તા વખતે તો ચૂપચાપ.

અધૂરી વાર્તા પૂરી થઈ એટલે રાધાએ કહ્યું: “બાપુ, જુઓ તમે ઘણા દિવસથી વરતો નથી નાખતા,”

બાપુ કહે : “હવે સૂઈ જાઓ; કાલે પાછા પાઠો ક્યારે કરશો ?”

બધાં કહે : “પાઠો ? પાઠો તો અરધાપરધા કરી લીધા છે; ને બીજા પાઠો વહેલાં ઊઠીને કરશું. એકવાર વરતો નાખો; પછી બીજી વાત. પાઠ તો સટસટ કરી નાખશું.”

બાપુ કહે: “પણ જો, આ રેવુને તો ઊંઘ આવે છે !”

રેવુ કહે: “ના બાપુ, વરતો નાખો તો તો બાર વાગ્યા સુધી જાગું.”

બાપુએ વરતો નાખવા માંડ્યાં ને છોકરાંઓ જવાબ દેવા માંડ્યાં. અગિયાર થયા ને બાએ બૂમ પાડી: “એ હવે તો સૂઈ જાઓ. લેસનબેસન તો કરતાં નથી ને આ બધું શું કરો છો ? કાલે પાછું નિશાળમાં શું થશે ?”

બાપુ કહે: “ખરું લેસન તો આ છે. પાઠ તો રોજ ભણવાના જ છે ને ? છોકરાંને એની ક્યાં આળસ છે ?”

બધાં બાળકો લેસન કરતાં હતાં ત્યાં બા આવ્યાં. કહે: “એ હવે એને છોડો છોડો. બિચારાં થાકી જશે.”

બાપુ કહે: “તે ભણવું કાંઈ સહેલું નથી, અમે પણ એમ જ ભણેલાં.”