પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૨
આ તે શી માથાફોડ
 

“થોડી વાર ખમો. આ બે પત્રો બાકી છે તે લખીને આ આવ્યો.”

બાપુ પત્રો લખી રંગોળી જોઇ આવ્યા.

“બાપુ, ચાલો ચાલો; આજે મોટીબેને કંઇક જોવા જેવું આણ્યું છે; કંઇક છે.”

“આ આવ્યો, આ જરા હિસાબ ટપકાવી લઉં કે આવ્યો; જરાક વાર છે.” બાપુને હિસાબ ટપકાવી લીધો ને જોવા ગયા. બેને નાનો એવો શેળો અણ્યો હતો.”

“બાપુ આવશો કે ? મોટાભાઇએ આજે અમારાં ભાષણો ગોઠવ્યાં છે, અને તમારે પ્રમુખ થવાનું છે.”

“એમ ? ત્યારે આવ્યો. બે મિનિટની વાર છે. પ્રમુખ બે મિનિટ મોડો થઇ શકે, નહિ વારુ ? આ એક તાર લખીને આ આવ્યો.”


: ૭૪ :
બા બાપા ને નવરાશ નથી

“બા, બા ! આ જો તો ? મેં મોતીની માળા કેવી સરસ કરી છે !”

“બાપુ, મને નવરાશ નથી. આઘી ખસને ! મારે ઠામ ઊટકવાં છે.”

“બા, બા ! આમ તો આવ. આ પપૈયા પર કેટલાં બધાં પપૈયા બૈઠાં છે ! જો તો. એક તો મોટું બધું છે”