પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બા બાપા ને નવરાશ નથી
૧૦૩
 


“બાપુ, મને નવરાશ નથી. તું તારે જાને મારે અબોટ કરવો છે”

“બા, તું આવીશ અમારી રમત જોવા ? અમે આજે નવી રમત રમીએ છીએ.”

“બાપુ, મને નવરાશ નથી. મારે કપડા ધોવા છે.”

“બા, એ બા ! ચાલ તો પણે ભાઇએ સુંદર બંગલો બનવ્યો છે. જોવા જેવો છે.”

“બાપુ, મને નવરાશ નથી. મારે હજી કપડાં સૂકવવાં છે.”

“એ બા, બા ! ચાલ તને કીકી હસે છે તે બતાવું. એવી ખડ ખડ હસે છે !”

“બાપુ, મને નવરાશ નથી. મારે તો હજી સંજવરી કાઢવી છે.”

“બાપુ, જુઓ તો આ ચોપડીનું પૂંઠું સુંદર છે ?”

“હમણાં જા; મને ફુરસદ નથી.” બાપુ પડ્યા પડ્યા ચોપડી વાંચે છે.

“બાપુ જુઓ તો આ સિક્કાને મેં રાખથી ઘસીને કેવો સરસ ઉજાળ્યો છે ?”

“હમણા જા; હું કામ માં છું” બાપુ પત્રો લખતા હતા.

“બાપુ, જુઓ તો અમારા ગલગોટાને આજે પહેલવહેલું ફૂલ બેઠું.”

“હમણાં નહી; મારે કામ છે. “બાપુ કાયદાની ચોપડીમાંથી ટાંચણ કરતા હતા.