પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગજુડો
 


: 3 :
ગજુડો

“એ સાંભળ્યું કે ? આ ગજુડાને અહીંથી ઉપાડી લેશો ?”

“શું છે ?”

“આ ક્યારનો નહાવાની ઓરડીમાં જઈને પાણી ઢોળે છે.”

“તે ભલેને ઢોળે.”

“પણ આ પહેરણ ભીનું કરીને બગાડે છે”

“તે એમાં શું થઈ ગયું ? પહેરણ ધોઈ નખાશે.”

“પણ ઈ માદો પડશે એનું શું ? આખો દિ' પાણી ચૂંથ ચૂંથ કરાય ?”

“ઉનાળો છે; કાંઈ માંદો પડતો નથી. ઉનાળામાં છોકરાંને પાણી ગમે.”

“પણ એ પાણી ઢોળ્યા કરે ઈ મને નો ગમે. આ બે બાલદી ઢોળી નાખી.”

“પાણીની ક્યાં ખોટ છે ? નળ આખો દિ' આવ્યા જ કરે છે.”

“પણ આ ઓરડી ભીની ભીની કરી નાખી. ભીની ઓરડી તે કાંઈ સારી લાગે ?”

“એ તો હમણા સૂકાઈ જશે. ઉનાળામાં સુકાતાં કેટલી વાર ?”