પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જરા વિચાર્યું હોત તો ?
૧૦૭
 

બાબુ હેતબાઈ જ ગયો. પહેલાંતો તે કંઈ બોલે જ ન શક્યો; અને પછી તે ખૂબખૂબા રડવા લાગ્યો.

પણ મને ખબર પડી કે ચીમની તો ગઈ કાલે સાફ કરતા એની બા વડે તૂટી હતી.

મને ઘણો પસ્તાવો થયો. મેં બાબુને પાસે બોલાવ્યો ને મૂંગા મૂંગા પંપાળ્યો; બાબુ ડુસકાં ભરતો હતો; તે મારી પાસેથી દૂર ગયો અને વધારે રડ્યો.

×××

ચંદ્રા હીંડોળેથી પડી ને ચીસ નાખી રડાવા લાગી. ઘરમાંથી એની બા એ બૂમો પાડી: “એ રતિયા, પાછી એને પછડી કે ?”

સાંભળતાં જ હું વાંચતો હતો એ ચોપડી રતિયા ઉપર ફેંકી ને તેને માથામાં જોરથી લાગી. તે રડતો રડતો બેસી ગયો.

ચંદ્રાએ થોડી વારે કહ્યું: “બાપુ, રતુભાઈએ મને નહોતી પછાડી. એ તો હું સરી પડી હતી. રતુભાઈને શું કામ માર્યો ?”

મને ખૂબ લાગી આવ્યું. રતુને મેં પાસે બોલાવ્યો પણ તે મારી પાસે આવ્યો જ નહિ. તેણે ક્યાંઈ સુધી રડ્યા કર્યું; મારી સામે પણ ન જોયું.

×××

ઘરમાં બાબી અને જીવન દોડાદોડ કરતાં હતાં. હું વાંચવાના ઓરડામાં બેઠો હતો. મેં એની બાને બોલતા સાંભળી: “અરે, આ તે હવે કેમ ખમાય ?”