પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૮
આ તે શી માથાફોડ
 

સાંભળીને હું બહાર આવ્યો તો ઘરમાં દૂધ ઢોળાયેલ હતું ને છોકરાની બા સાફ કરતી હતી. મારો મિજાજ ગયો. જોરથી ઘાંટો પાડીને છોકરાંને બોલાવ્યાં: "આમ આવો, તોફાની !" છોકરાં સમજ્યા નહિ કે કોણ જાણે, પણ તેઓ તો ઘરમાંથી ફળિયામાં દોડતાં હતાં. મેં ત્યાં જઈ તેમને એક એક લગાવી દીધી ને વાંચવાના ખંડ તરફ પાછો વળ્યો. મારા કાન પર બન્નેના રડાવાનો અવાજ આવતો હતો.

દૂધ લેતી એની બા બોલી: "શું કામ એમને નકામાં માર્યાં ? દૂધ તો બિલાડીએ ઢોળ્યું હતું. એ તો બિચારા એન હાંકવા દોડ્યાં હતા."

હું ખસિયાણો પડી ગયો. છોકરાઓને શું મોઢું બતાવવું ? તેઓ મારી પાસે રાત સુધી આવ્યાં જ નહિ. હું તેમની પાસે જઈ શક્યો નહિ !

×××

નલિની અને નાનુ એના ઓરડામાં રમતાં હતાં. હું બાજુની ઓરડીમાં લખતો હતો. એકાએક નલિનીએ ચીસ પાડી. હું ભડક્યો ને ત્યાં દોડ્યો. વગર તપાસે નાનુનો કાન ખેંચી થપાટ લગાવી. "આટલી નાની છોડીને રડાવે છે ? હજી સમજતો નથી ?" પણ ત્યં તો નલિની હસી પડી. એ કહી: " કાકા ! એ તો અમે ગમ્મ્ત કરીએ છીએ; મને કોઈએ નથી રડાવી."

મને ભાગતાં ભોં ભારે થઈ પડી. રડતી કરડી આંખે મેં નાનુ મારી સામે જોઈ રહ્યો. મને મારી જાતને ધિક્કારવાનું મન થયું. નાનુ તે દિવસથી મારી ઓરડીની બાજુમાં રમતો નથી.