પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
આ તે શી માથાફોડ
 


બા ગઈ. આસપાસથી એના જેવા છોકરા ભેગા થયા. ધૂળના ઢગલા કરવા માંડ્યા. ઢગલા કરીને એની ઉપર મૂતર્યા. પછી એના ગોળા કર્યા. એમ કરતાં બાઝી પડ્યા ને એકબીજાને ગાળો ભાંડી. પણ થોડી વાર થઈ ત્યાં પાછા ધૂળના ઢગલા કરવા માંડ્યા ને મોટો ડુંગરો કર્યો. પછી બધા ફરતા ફેરા ફરવા લાગ્યા. આ બાઈનો છોકરો પણ એમાંનો એક હતો.

આ છોકરો કોનો છે ?

કડે કંદોરો, પગમાં સાંકળાં, હાથે વીંટી ને ગળામાં ગળચવો.

કપડાં મેલાં ને મોં એવું સરખું ઊજળું, પણ ગંદુ.

છોકરો બોલે ત્યારે જરા જરા તોતડાય. છોકરાને કાછડી પૂરી પહેરતાં ન આવડે. કંદોરા નીચે માંડ માંડ રહે.

છોકરો ઊઠે કે તરત દફતર-પાટી કાઢે ને આંક લખવા બેસે. આંક બહુ આવડે. છોકરો તોતડું બોલતો બોલતો બેસે. આંક બહુ આવડે. છોકરો તોતડું બોલતો બોલતો કવિતાઓ મોઢે કરે.

“એક અડપલો છોકરો
જીવો જેનુ નામ;
અતિશે કરતો અડપલાં
જઈ બેસે જે ઠામ.”

છોકરો દાતણ કરે કે ન કરે તેનું કોઇ ન પૂછે; છોકરો પાઠ કરે તેની કાળજી સૌ રાખે.

છોકરો રોજ હાટે જાય ને બાપા પાસે બેસે. છોકરો પાઈ, પૈસા, બે પૈસા, રૂપિયો બરાબર સાચવે. છોકરને