પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૮
આ તે શી માથાફોડ
 

પાસે બેઠેલા શિક્ષકે અવલોકન ઉપરથી વિચાર ઘડ્યા: “વિમુ આજકાલ માંદી રહે છે. કેટલી બધી સમજુ લાગે છે ? ન ખાવા જેવી ચીજ એની મેળૅ જ આપી દીધી.”

આગળ વિચાર ચાલતો હતો એટલામાં જ વિમુએ એની ગોઠણને કહ્યું: “એ તો ખજૂર મને નથી ભાવતો એટલે મેં આપી દીધો.”

શિક્ષક મનમાં ગમ ખાઈ ગયો.

: ૮૮ :
બાપુજી સાથે નથી

ઘોડાગાડીમાં બેસી બાળકો ફરીને પાછાં આવતાં હતાં. તેઓ ખૂબ આનંદમાં દેખાતાં હતાં. ગાડી ધીમે ધીમે મારી નજીક આવતી હતી.

મારા મનમાં થયું: “એના પિતા કેટલા સમજુ હશે ? “ બાળકોને આનંદ મળે તેવી ગોઠવણા કર્યા કરતા હોય એમ લાગે છે. હું ઇચ્છું કે દરેક પિતા બાળકોને ફરવા જવા દે. ખુલ્લી હવા અને કુદરતનો આનંદ લેવા દે. આ બાળકો આ હસતી કુદરત સાથે કેવાં હસી રહ્યાં છે ! ખરેખર એના પિતા તરફ માન ઊપજે છે.”

ગાડી નજીકથી પસાર થઈ ને તેમાંથી એક બાળકના મોંમાંથી શબ્દો નીકળતા સાંભળ્યા: “આજે ગાડીમાં બહુ મજા પડે છે. આજે બાપુજી સાથે નથી.”

પેલા પિતા સંબંધેનું મારું માન હવે કેટલું રહ્યું હશે ?