પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૦
આ તે શી માથાફોડ
 

ચિડાઇને બાએ કહ્યું: “આ છેને ચંપલી, એણે માર્યું હશે.”

બાપાએ ઉમેર્યું: “ચંપલીની ટેવ જ એવી છે. જો કોઇ દિ' વિદુને હાથ અડાડ્યો છે તો !”

બાએ ચંપા સામે હાથ ઉગામ્યો: “જો આ ચંપા છે જ એવી !”

વિદુએ રડવું અટકાવી કહ્યું: “બા, ચંપાએ મને નથી માર્યું; એ તો એનાથી મને લાગી ગયું. ચંપાનો વાંક જરા યે નથી.”

: ૯૧ :
એ... પણે બાપુ આવે

“એ... પણે બાપુ આવે. હેઈયાં !”

“ચાલો ત્યારે હવે પછી વાંચશું.”

“આજે મારે બાપુને મેં ગોઠવેલી જોડાની હાર બતાવવી છે, જો પેલી રહી. બાપુ કહેશે સુંદર છે.”

“ઊભો રહે: માટીના રમકડાં બનાવ્યાં છે તે મેડી ઉપરથી લઈ આવું.”

“જો તો જરા, આ બાંય ચડાવી દેને ? મારા હાથ શાહીવાળા છે. બાપુનો ખડિયો અને હોલ્ડર સાફ કરું છું.”

“પેલી બાપુની ચોપડીમાં નિશાન મૂક્યાં કે ? એ ચિત્રો બાપુને બતાવવાનાં છે.”