પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બા અને બાળક
૧૩૩
 
: ૯૪ :
એઠું કેમ ખાય છે ?

બાલમંદિરમાં રોજ નાસ્તો હોય છે. નાસ્તા પછી સૌ બાળકો રમવા નીકળે. ચંદ્રપ્રભા સૌથી છેલ્લે રહે; ધીમે ધીમે ખાય ને પાછળ રહે. રોજ છેલ્લી મોડી મોડી નીકળે.

શિક્ષકને થયું: “આનું કારણ તેની ધીમે ખાવાની ટેવ છે કે શું ?”

શિક્ષકે ઝીણી તપાસ રાખી. નજરે આવ્યું કે બધાં બાળકો ગયા પછી ચંદ્રપ્રભા બીજાં બાળકોના પ્યાલામાંથી વધેલું લઈ લે છે, ને ખાઈ જાય છે.

શિક્ષકે પ્રેમથી પૂછ્યું: “ચંદ્રપ્રભા, બીજાના પ્યાલામાંથી કેમ લો છો ?”

ચંદ્રપ્રભા કહે: “મને ભૂખ લાગે છે, ને તમે તો થોડું જ ખાવાનું આપો છો.”

શિક્ષક કહે: “ત્યારે તમે ઘેર જમીને નથી આવતાં ?”

ચંદ્રપ્રભા કહે: “આવીએ છીએ, પણ બા પૂરું ખાવાનું નથી આપતી. બા કહે છે કે ઝાઝું ખાઈશ તો ઝાડા થશે ને માંદી પડીશ. એમ કહી અરધું ખવરાવી ઊભી કરે છે.”

શિક્ષકને વાત સમજાઈ કે ચંદ્રપ્રભા એઠું કેમ ખાય છે.

: ૯૫ :
બા અને બાળક

બા: “પણ તું સરખો તો ઊભો રહે ! થનગનથનગન શું કરે છે ?”

બાળક: “મને ટાઢ વાય છે; મારાથી ઊભું નથી રહેવાતું.”

×××