પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪
આ તે શી માથાફોડ
 

બા: “જોને, ચોરણી પહેરાવી નહિ ત્યાં તો કાઢી નાખી ! છેને પણ કાંઈ ?”

બાળક: “બા, એમાં એક કીડી હતી તે કરડતી હતી.”

×××

બા: 'જોજે, અહીં આવીશ તો મારી નાખીશ !”

બાળક: “ત્યારે માંદો પડું છું ત્યારે દવા શું કામ કરે છે ?”

×××

બા: “જોને, રકાબી પાડી નાખી ને ભાંગી નાખી.”

બાળક: “મેં રકાબી નથી પાડી; ચીકણી હતી તે લપસી ગઈ.”

×××

બા: 'મારે તે કરવું શું ? આ લૂગડાના તો કટકેકટકા કર્યા !”

બાળક: “ઘણા બધા કટકા નથી કર્યા; ફક્ત બે જ કટકા કર્યા છે. મારે પગે પાટો બાંધવો છે.”

×××

બા: ક્યારનો સળવળ સળવળ શું કરે છે ? સરખું સૂતાં યે નથી આવડતું ?

બાળક: “બા, મચ્છર ગણગણ કરી કાન આગળ આવે છે.”

×××

બા: “એ હવે કેમે કરીને નહાવા ઊઠશો ? ક્યાં સુધી રમશો ?”