પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૬
આ તે શી માથાફોડ
 

તને ગમે તેમ વાળ તેં ઓળ્યા, ને મને ગમે તેમ મેં ઓળ્યા.

ભાવે તો મરચું ખા; નહિતર આ શાક છે તે જરા મોળું છે.

જો ભા, આમ બેસીશ ? એમ બેસે તે સૌને જરા જગા વધે. જો આમ ઘસીને હાથ ધો; બગડ્યા હોય તેટલા ધોઈએ.

બાજરાનો રોટલો ન ભાવે તો ઘ‌ઉંનો ખા; કોઈકને ન પણ ભાવે.

: ૯૭ :
પ્રશ્ન કેમ પૂછતો નહોતો ?

હીરો બાલ મંદિરમાં આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો. હીરો દીઠે રૂડો રૂપાળો; હીરો લૂગડાં પણ સ્વચ્છ અને સારાં પહેરી લાવતો.

હીરાનું બાલમંદિરમાં એક વર્ષ વીતી ગયું. બધાં બાળકો કંઈ ને કંઈ પ્રશ્ન પૂછે પણ હીરો સદા એ રીતે મૂંગો જ હોય. હીરાના મોંમાંથી એક પણ પ્રશ્ન ન નીકળે; જાણે કે હીરાને કશુંય જાણવાની ઈચ્છા જ નથી.

બાલમંદિરના શિક્ષકના મનમાં વિચાર ઊઠ્યો: "આનું કારણ શું ?" બાલમંદિરનો શિક્ષક એટલે અવલોકનકાર; અવલોક્યા પછી તેનું કારણ શોધનાર."હીરો શા માટે સવાલ ન પૂછે ? કુદરતી જિજ્ઞાસા એનામાં પણ હોય; હોવી જ જોઈએ." શિક્ષકના મનમાં વિચાર ઘોળાયા કરતો હતો.