પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૦
આ તે શી માથાફોડ
 

અબૂજ બા : “આ છોકરાંએ તો હરવાળ્યાં ! એલા રતુ, ટપુ, આઘા મરો છો કે નહિ ?”

રાંધતી બા : “કેમ રે લીલુ, વિનુ, અહિંથી ખસો છો કે વેલણ છૂટું મારું ?”

ચોપડી વાંચતી બા : “કોણ બે ગડબડ કરે છે ? જાઓ, પેલી ઓરડીમાં બેસો ને વાંચો. લેસન નથી કરતાં ને રખડો છો કે ?”

શેઠાણી : “જોને, મહેતાજી હજી કેમ નથી આવ્યા ? આ છોકરાએ માથું પકવી નાખ્યું. મહેતાજીને કહેવું જોશે કે વહેલા આવે.”

અભણ સ્ત્રી: “ઈ ધકોડા નહિ ચાલે ! જાઓ રોયા શેરીમાં; એ...મોટી પડી છે.”

વિદ્વાન પિતા : “રમેશ, વધુલક્ષ્મી, અહીં ના રમીએ, જુઓને, અહીં અમે પ્રવૃત્તિમાં છીએ. પેલી બાજુએ ખેલીએ.”

ઘાંચી : “અલ્યાઓ, ત્યાંથી નાસો છો કે ? આ બળદને બદલે ઘાણીએ જોડ્યા જાણજો.”

મોચી : “માળા, આ છોકરાંઓ તો ફાટ્યા લાગે છે ! એ, પેલી ભીંત પાસે રમો છોકે ? આ રાંપી જોઈ છે ?”

વાણિયો : “આમ આવો, આમ. પાઠ કર્યા વિના રમવા ક્યાં ચાલ્યા ? ચાલો જોઈએ, ભણવા બેસો જોઈએ. રમ્યા કરશો તો ભણશો શું ?”

બ્રાહ્મણ : “હવે રમવું બંધ રાખવું છે કે ? રમ્યારમ કરશો તો ભીખ માગશો, ભીખ ! છાનાંમાનાં ભણવા બેસો, ભણવા !”