પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
માબાપોને શું કહેવું ?
૧૪૫
 

રાધા વાર્તા સાંભળતાં સાંભળતાં એકાએક રડવા લાગી. મેં શાત પાડવા માટે ખોળામાં લીધી. મારો ખોળો ભીનો થઈ ગયો તેને પાણી જેવા ઝાડા થયા હતા ને પેટમાં વાઢ આવતી હતી !

×××

શાંતાબેન સામે ઊભાં હતાં. માથા સામે જોયું તો તેના માથામાં જુઓ દેખાઈ; એક-બે તો ચાલી જતી હતી. એક શિક્ષિકા-બેને બેચાર તો ત્યાં જ લઈ લીધી. શાંતાબેન બધો વખત માથું ખજવાળતાં હતાં અને શરીરે દૂબળાં તેમ જ નિસ્તેજ દેખાતાં હતાં.

બાલમંદિરમાં આવાં બાળકો પણ આવે છે. ગરીબનાં આવે છે એમ નહિ; પૈસાદારનાં પણ આવાં જ આવે છે. માબાપનું તે તરફ ધ્યાન ખેંચીએ છીએ ત્યારે કોઈ કહે છે : “માળું ! તાવ તો એને આવતો નથીને ? એ તો ઊતરી જશે.” કોઈ કહે છે : “એ તો ઉનાળો ગયો છે એટલે ઘામિયું થયું છે. છોકરાંને આ ઋતુમાં ઘામિયાં બહુ થાય.” કોઈ કહે છે : “એ તો એણે કાચા ઘઉં ખાધા હતા એટલે ઝાડા થઈ ગયા હતા. દાકતરે દવા આપી તે નીકળી ગયા.”

માબાપો ! કહો ત્યારે, મારે અને તમારે શું કરવું જોઈએ ?