પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬
આ તે શી માથાફોડ
 
: ૧૦૪ :
બાળકો મનમાં બોલે છે

જુઓને, બાપા તો બેઠા બેઠા છાપાં વાંચ્યા જ કરે છે; બા જ બધું ઘરનું કામકાજ કર્યા કરે છે.

બાપા તો કોઈને પોતાની ઓરડીમાં આવવા જ નથી દેતા. પણ બાની ઓરડીમાં જવાની સૌને છૂટ છે.

બાપા જરાક બોલીએ તો કહે છે : “ચૂપ, ગડબડ નહિ. અહીંથી ભાગો.” પણ બાની પાસે ગડબડ સડબડ બધું ચાલે. બા કોઈને કહેતી નથી કે ભાગો.

બાપા રોજ એક જ સવાલ પૂછે છે : “કેમ, નંબર કેટલામો આવ્યો ? લેસન બરાબર કર્યા હતાં ?” બા તો કેટલી યે વાતો કરે છે.

બાપા ગંભીરતાથી બેસી રહે છે ને અમારી સાથે બહુ જ થોડું બોલે છે. બા તો વાતો કરે, હસે ને હસાવે; એ તો અમે ન બોલીએ તો યે બોલાવે.

બાપાની અમને બહુ બીક લાગે છે. આઘેથી દેખાય ત્યાં તો અમે ડાહ્યાંડમરાં થઈને બેસી જઈએ છીએ. બાની બીક જરા યે લાગે તો કે ? એની આગળ તો બધું ચાલે જરા ધમાધમી, ધિંગામસ્તી, બધું.

: ૧૦૫ :
હું ગમ્યો નહિ કારણકે—

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું વધારે પડતો ગંભીર હતો.

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું ગંદો હતો.