પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ચંપાનો નિશ્ચય
૧૫૩
 

માસ્તર સાચેસાચ પૈસા લીધા હોય તેના પ્રમાણમાં ખરા અંતઃકરણથી સારી રીતે બાળકોને ભણાવવા મહેનત કરે છે ?

: ૧૧૦ :
ચંપાનો નિશ્ચય

ચંપા પાંચ વર્ષની બાળા. દિવાળી ઉપર ફટાકડા ન ફોડાય એવું વાતાવરણ ચારે કોર છે. આસપાસનાં બાળકો કોઈ ફોડતાં નથી. ચંપાના મુરબ્બીઓએ પાંચ ફટાકડા ઘરમાં આણેલા હશે.

ચંપાની સાથે વાત કરતાં વાત કાઢી : “જો ચંપા, ઓણ ફટાકડા ફોડાતા નથી, ખબર છે ને ? ઓણ તો ગામેગામનાં છોકરાંઓએ જ નક્કી કર્યું છે કે “અમારે ફટાકડા નથી ફોડવા.” ફટાકડા ફોડીએ એટલે તો ફટફટ થાય, ધુમાડો થાય ને પૈસા પાણીમાં જાય. ફટાકડાને બદલે ગળ્યું ગળ્યું ખાવાનું ન ખાઈએ ?”

ચંપા સામે જોઈ રહી. તે વિચારમાં પડી ગઈ હતી. તે કહે : “હેં ! સાચે જ બધાં બાળકોએ એમ કર્યું છે ? ફટાકડા ફોડવા જ નહિ ?”

મેં કહ્યું : “હા, છોકરાંઓએ એમ કર્યું છે.”

ચંપા કહે : “પણ એ ખોટું નહિ બોલતા હોય ?”

મેં પૂછ્યું : “એમ કેમ પૂછ્યું ?”

ચંપા કહે : “ઘણા બાળકો ખોટું બોલે છે.”

મેં કહ્યું : “પણ આ બાળકોએ તો બરાબર નક્કી કરીને કહ્યું છે.”