પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હું કહું ત્યારે કરજે
૧૫૯
 

માતા ઘરમાંથી અકળાઈને ઘાંટો પાડતી હતી: “એ મારા રડ્યાઓ, લડો મા. હમણાં આવીશ તો વાંસો ભાંગી નાખીશ.” માતા મનમાં બળતી જતી હતી, વારંવાર મોં બગાડતી હતી અને ઠામવાસણ પછાડતી હતી, અથવા જેને તેને વઢતી હતી. બાળકો બહુ લડી પડતાં ત્યારે તે તેમની પાસે આવતી હતી અને જેને તેને બેચાર ધબ્બા મારી પાછી ચાલી જતી હતી.

બાળકોની અને માતાની પળો અધન્ય હતી, દીન હતી.

: ૧૧૫ :
હું કહું ત્યારે કરજે


બા શાક વઘારતી હતી.

ઈન્દુને શાક વઘારવાની હોંશ થઈ; ઈન્દુ શાક વઘારી શકે તેવડી હતી.

ઈન્દુએ બાને કહ્યું : “બા, હું શાક વઘારું ?”

બાએ કહ્યું : “હું કહું ત્યારે કરજે; હમણાં ન આવડે.”

ઈન્દુ નિરાશ થઈ ચાલી ગઈ.

બાને તાવ આવ્યો,

બાને થયું કે આજે તો ઈન્દુ પાસે શાક વઘારાવું.

બાએ ઈન્દુને કહ્યું : “ઈન્દુ, શાક વઘારને ?”

ઈન્દુએ કહ્યું : “બા, શાક વઘારતાં મને નથી આવડતું.” !