લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૦
આ તે શી માથાફોડ
 


: ૧૧૬ :
બતાવો તો ?

બતાવો તો ?

બાળકને પક્ષીઓની સુંદર વાતો કહેવાને બદલે તેને સુંદર પક્ષીઓ બતાવો તો ?

બાળકને એન્જિનની કરામત પાટિયા પર સમજાવવાને બદલે તેને એન્જિન પાસે જ લઈ જઈ બતાવો તો ? બાળકને પૃથ્વીના ગર્ભમાં અનેક ખનિજો ભરેલાં છે તેની રસિક કથા કહેવાને બદલે ખનીજભરપૂર પૃથ્વી ખોદી બતાવો તો ?

બાળકને ઘરમાં પડયાં પડયાં તારાઓની વાતો કહેવાને બદલે ફળિયામાં કે અગાશી પર લઈ જઈ તારાઓ બતાવો તો ?

બાળકે કશાથી બીવું નહિ, બીવા જેવું કશું નથી, એમ તેને કહેવા કરતાં તેને સાથે લઈ અંધારામાં ફરવા નીકળો અને ભયનાં સ્થાનોમાં નિર્ભયતા બતાવો તો ?

બાળકે મોટો થયા પછી મોટા મોટાં કામો કરવાં, બહાદુર ને હોશિયાર થવું, એવી શબ્દથી પ્રેરણા પાવા કરતાં તેના નાનાં નાનાં બહાદુરી અને હોંશિયારીના કામો કરવાનું બતાવો તો ?

બાળકને દેશના લાખો ગરીબોની વાતો કરવા કરતાં તેને ગરીબોનાં ઝૂંપડાં બતાવો તો ?

બાળકને પોતાના નોકરોને મારીઝૂડીને તેની પાસેથી કામ કરાવતા શેઠો અને કારખાનાના કામદારોની વાતો કહેવા કરતાં તે શેઠો, કામદારો અને કારખાનાં બતાવો તો ?

તો બાળક વધારે સારું નહિ કેળવાય ?