પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૨
આ તે શી માથાફોડ
 

પૂનો દોડાદોડ સાત ટાપલિયો દાવ રમે છે ને કેમે કરી હાથમાં આવતો નથી.

ઉષઃકાન્ત રમવાની જ ના પાડે છે. તે કહે છે : “મને રમવું ન ગમે; હું તો પડી જાઉં.”

પૂનો કરોળિયા જાળાં ક્યાં બાંધે છે તે શોધવા જાય છે; તે કાબરનાં ઈન્ડાને શોધી જાણે છે. એને આંબે ચડીને કેરી ઉતારતાં આવડે છે; ભેંશે ચડીને ઢોરને પાણી પાવા જતાં આવડે છે; અંધારામાં તારાને અજવાળે ચાલતાં આવડે છે.

ઉષઃકાન્ત ઘરમાં બેઠો બેઠો કરોળિયાની ને કાબરનાં ઈન્ડાની વાતો વાંચે છે; આંબાના અને તારાના પાઠોની નકલ કરતાં તેને સારી આવડે છે; તેના અક્ષર સારા છે.

: ૧૧૮ :
આમ નહિ , પણ આમ.

એ, ત્યાં જઈશ નહિં , અંધારું છે.

એ, ત્યાંથી ચાલીશ નહિ; ત્યાં કાંટા છે.

એ, ત્યાંથી ભાગ; નહિતર કુતરું કરડશે.

એ, અહિંથી ભાગો; અહી ગરબડ થાય છે.

ચલો હટો, આ ખુરશી તમારે માટે નથી; તમને બેસતાં નથી આવડતું.

લઈશ નહિ, લઈશ નહિ, વગાડી બેસીશ. મૂકી દે એ છરી.

કોરે ખશ, એને પાડી દઈશ. એને અડતો નહિ હોં કે !