પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બા હું તને અબોટ કરાવું ?
૧૬૫
 

“ત્યાં ક્યાં જાતો’તો ? હાથ પગ ભાંગે તો મારાથી ચાકરી થાય એમ નથી. નથી જવું ત્યાં.”

×××

“બા, આ મારાં ને બેનનાં લૂગડાં સંકેલું ?”

“રોયાને કાંઈ ધંધો છે ? મૂક લૂગડાં કોરે; ખશ આઘો !”

×××

“જો બા, હું આ કેવા નાના નાના રાતા ને પીળા કાચના કટકા લઈ આવ્યો ! ઓલી પારેખની વંડી પાસે પડ્યા'તા.”

“એ એને નાખી આવ, ઓલ્યા ખાડામાં. ઘરમાં લાવ્યો છે તે કો'ક ના પગમાં લાગશી તો છ મહિનાનો ખાટલો થશે. એ તો ભાળ્યા તારા કાચ !”

×××

“બા, આ સોયમાં દોરો પરોવી દેને ?”

“વળી સોયદોરા ક્યાંથી લીધા ? આનું તે શું કારવું ? કાંઈ બીજો કામધંધો છે કે નહિ ? મૂકી દે સોય .”

×××

“બા, આપણા ઘરની વાંસે છાંયો છે ત્યાં વીજુ સાથે રોટલો રોટલો રમવા જાઉં ?”

“ઠીક, હવે; બાકી રહ્યું હોય તો ઈ કર્ય. બાપુ, ઈ વીજુડી હારે મારે નથી રમવું. ને એની માને મારાથી નો પો’ચાય ! રમવામાં ને રમવામાં આટલી હોળાયા જેવડી તો થઈ છે .”