પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઓય, એ તો ચૂંક આવતી હતી
૧૬૭
 


: ૧૨૩ :
ઓય, એ તો ચૂંક આવતી હતી

“શું છે ? આજ રમુ કેમ રડે છે ?”

“કોણ જાણે, રોંઢા દિ'નું આદર્યું છે તે રોતી રે'તી જ નથી. રહી રહીને રાડ્યો નાખે છે.”

“કાંઈ કારણ હશે.”

“કારણ શું હોય મારી કઠણાઈ .”

“એમાં આકળી શું થાય છે ? છોકરાં છે તે રડે.”

“તમારે ઠીક છે . ઈ કાંઈએ માનો જીવ છે તે છોકરું રોવે તો કળીએ કળીએ કપાય. લ્યો, આ પૂછ્યું: “શું કામ રડે છે ?”

“વખતે ભૂખી હોય તો ?”

“ભૂખી ભૂખી તો કાંઈ નથી. કેટલી યે વાર ધવરાવી, પણ ઈ જરાક ધાવે છે ને મૂકી દે છે. ભૂખી હોય તો કાંઈ એમ કરે ?

“કાંઈ થયું હોવું જોઈએ. કોણ જાણે, પેટ ચડ્યું હોય તો ? લાવ, જોઉં જોઈ એ, પેટ ડબડબ બોલે છે ?”

“પેટ તો કાંઈ ચડ્યું નથી. રૂપાળું પાસા જેવું છે.”

“ત્યારે લાવ જોઈએ, રમાડું; જરા બહાર લઈ જાઉં.”

છગનભાઈ રમુને તેડીને બહાર શેરીમાં લઈ જાય છે.

રમુ ઘાડીક રોતી રહી જાય: એ ને ઘડીક ચીસેચીસ નાખે છે.

જમનાદાદી શેરીમાંથી નીકળ્યાં. છગનભાઈ કહે: “માડી જુઓ તો ? આછોડી ક્યારની રડે છે. કાંઈ થયું છે ?”