પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
આ તે શી માથાફોડ
 

મૂતરી પડે છે ! ઈ તો ઘરમાં ફાવ્યું છે. પારકી મા કાન વીંધે. ત્યાં કાંઈ વેવલી વાણિયાણ નથી તે પોપાબાઈનું ચાલે ! ત્યાં તો મિયાંની મીંદડી જેવો થઈ જાય છે.”

“પણ ફોસલાવી પટાવીને લઈ જાને ભાઈ !”

“ફોસલાવીને ? અરે, ઈ તો તમને ને મને ને એના માસ્તરને અને બધાયને વેચીને દાળિયા ખાય એવો છે ! એ તો બગડી ગયો છે. કહ્યું કરતો હોય તો કાંઈ કહેવું યે ન પડે ને મારવો યે ન પડે. પેટના દીકરાને મારવામાં શો સ્વાદ આવતો હશે ? એની માને ક્યાં ખબર છે કે દીકરો નહિ ભણે તો રઝળશે ?”

મારે તો માથું ધુણવવાનું રહ્યું. માતાનાં આ લાડનું શું કરવું ?

શિક્ષક ડોળા કાઢીને છોકરાને સીધો કરે, ને આવા પિતા છોકરાને તમાચા ચોડીને તેનું ભાવિ સુધારવા માગે ! સૌ છોકરાનું હિત તો ઇચ્છે છે.

પણ....?

હું ખિન્ન મને ઘેર ગયો.

પણ....?

: ૯ :
શું કરીએ ભાઇ, ક્રોધ ચડે ત્યારે ?

“કેમ, શિક્ષણપત્રિકા વાંચી ?”

“હા; એમાં તો કાંઈ રસ ન આવ્યો.”