પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંધ્યાટાણે
૧૭
 


: ૧૩ :
સંધ્યાટાણે

બાપા ગામમાંથી આવે છે. નાનાં બાળકો તેની ફરતાં વીંટળાઈ વળે છે.

“બાપા, શું લાવ્યા? બાપા, શેરડી તો લાવ્યા છો ને ? બાપા, મારા સારુ ગરિયો લાવ્યા કે ?”

બાપા છત્રી-જોડા કોરે મૂકી પાઘડી ઉતારી ખેસને છેડે બાંધેલું પોટકું છોડે છે. જમરૂખ ખાતાં ખાતાં છોકરાંનાં મોં મલકાય છે. નાનો રમુ ગરિયો લઈ રમવા દોડ્યો જાય છે. મોટો વિનુ નવી બાળપોથી ઝટપટ ઉઘાડી વાંચવા બેસે છે ને નાની બેન બાપાએ આણેલી ચોળી બાને બતાવવા રસોડામાં દોડે છે.

વાળુપાણી થયા પછી બા કહે છે: “ચાલો એલાં, વાર્તા કહીએ.”

નાની બેન વચ્ચે બેસે છે; બીજાં બધાં ફરતાં બેસે છે. બા વાર્તા શરૂ કરે છે :-

“એક હતો રાજા, રોટલા તાજા, ઘી થોડું, માટલી ફોડું.”

બધાં ખડખડ હસી પડે છે.

રસીલા કહે છે: “બા ! ઓલી 'કીસ્કી ડોશી'ની વાર્તા કહોને ?”