પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
આ તે શી માથાફોડ
 

બા ધીરેથી વાર્તા ઉપાડે છે :—

“એક હતી ડોશી.”

બધાં ઘડીકમાં ચૂપચાપ; બાની સામે બધાં એકીટસે જોઈ રહ્યાં છે. કોઈને મટકું ય મારવું ગમતું નથી. ડોશીનું શું થયું તે સૌ વિચાર કરે છે ત્ત્યાં તો ડોશી ઢમ કરીને અવાજ કરી રાખ ઉડાડી ભાગે છે, ને છોકરાં બધાં ખડખડાટ હસી પડે છે. માને ખોળે આળોટે છે, ગળે બાઝે છે, ખભે ચડે છે વાર્તાના મીઠા ઘેનમાં બાળકોની આંખો ઘેરાય છે ને એક પછી એક સૌ નિદ્રાને ખોળે ઢળે છે. ઊંઘતા ચહેરાઓ ઉપર પેલી વાર્તાની ગમ્મતના નિશાનો ચોખ્ખેચોખ્ખાં નજરે પડે છે.


: ૧૪ :
વરસાદનો આનંદ

વરસાદ વરસે છે, નેવે પાણી માતાં નથી, ફળિયામાં પાણીનું તળાવ ભરાયું છે. ઘડીક ઝડપથી વરસે છે, ઘડીક મોળો પડે છે. ઘડીક તો વળી એવો ઝાપટે છે કે વાત કરો મા !

ભીખુ: “બાપા! હું અને નભુ નાવા પડીએ ?”

બાપા: “હા. જાઓ અને જરાક કૂદી આવો.”

બન્ને છલાંગ મારીને કૂદ્યા. ત્યાં તો આજુબાજુનાં છોકરાં આવ્યાં અને બોલ્યાં :-

“આવરે વરસાદ, ઘેવરિયો પરસાદ,
ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક.