પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
આ તે શી માથાફોડ
 

તમારે ઊંઘવું જોઈએ એ સાચું, ને એને રમવું જોઈએ એયે સાચું. કાં તો બપોરે એને મારા ફળિયામાં મૂકી જજો; કાં તો એને બેચાર એવાં કામ આપો કે તમારે વારે વારે ‘રહેવા દેને, રહેવા દેને !’ કહેવું ન પડે. તમે બધુંય કરવાની ના પાડો ત્યારે દૂધડી એ ક્યાં જવું ? પછી દૂધડી જે તે કર્યા કરે ને તમને ઊંઘ ન આવો તો એમાં શી નવાઈ ? દૂધડીને કહેવું કે “બાપુ, જો હું સૂઈ જાઉં છું. હવે જો આ ઘઉંમાંથી કાંકરા વીણ, જે પણે આઘે બેઠી બેઠી મને ન સંભળાય એમ તારે રમવું હોય તો રમ.” દૂધડીને શું રમવું ને શું કરવું એ ચોક્કસ થતાં તેને નવરા રહેવું નહિ પડે. વારે વારે ‘રહેવા દેને, રહેવા દેને !’ નહિ થતું હોવાથી એને રમતનો આનંદ લીધા વિના કેટલી યે રમતો અને કામ પડતાં મૂકવાં નહિ પડે. તમે લેજાવાર સુખેથી પડ્યા રહી શકશો, અને દૂધડીને રમવાનું મળશે એટલે તે ગડબડ નહિ કરે. તમને આરામ મળશે. અને દૂધડીને શેર લોહી ચડશે.”

બીજે દિવસથી પૂરી કોળણના મોંમાંથી “રહેવા દેને, રહેવા દેને !” શબ્દો ન નીકળ્યા. દૂધડી બારણું ચૂકડચૂકડ નહોતી કરતી, મા ખાટલામાં પડી પડી મીઠી ઊંઘ લેતી હતી ને છોકરી આઘા ખૂણામાં કંઈક શાંત રમત રમતી હતી.


: ૨૧ :
બધું ય ભાવવું જોઇએ

“લે, સામું જોઈને બેઠો છે શું ? આ રોજની પંચાત. દાળ કરીએ તો કહેશે શાક ભાવે છે, ને શાક કરીએ તો કહેશે દાળ ભાવે છે. એમાં ભાવવું'તું શું. બધુંય ભાવે !”