પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
આ તે શી માથાફોડ
 

તેમનાં માશીબા પિલાંમાયજીએ કહ્યું: “ક્યાં ખોવાયા ?”

બચુભાઈ કહે: “દર્શન કરવાં ગયાં હતાં ત્યાં, જશોનાથમાં.”

પિલાંમાયજીએ કહ્યું: “હશે આવો બાપ ! તેમાં શું થઈ ગયું ?”

એટલામાં હું નજીક પહોંચી ગયો. મેં જોઈને કહ્યું : “અમરે અમારા બાલમંદિરના બાળકોનાં માબાપ અને સગાંવહાલાં આવાં જ જોઈએ છીએ.”

પિલાંમાયજીએ કહ્યું: “બૂટની કાંઈ ચિંતા નથી. હું મારાં ભુલકાને સુખી ભાળું તો બસ !”

આમ બોલી પિલાંમાયજીએ આબાદબેનની છાતી ઉપર હાથ મૂકી તેને પોતાની પાસે ખેંચી પ્યાર કર્યો.

આબાદ બેન રસ્તામાં શા સારુ રડ્યાં ન હતાં, તેનું કારણ હું સમજી ગયો. આબાદબેનને અનુભવ નહિ થયો હોય કે ભૂલથી કંઈ ખોવાઈ જાય તો ઠપકો મળે, અને માર પડે. કશું ખોઈને આવનાર બીજા બાળકના મનની સ્થિતિનો આબાદબેનને ક્યાલ જ નહિ હોય. એને માટે ધન્યવાદ કોનો ઘટે ? તેમનાં માતાપિતા ને માશીબાને જ તો !

બીજી માશી કે બા હોત તો જોડા તો ખોવાયા જ હતા, પણ ઊલટું વધારામાં આબાદબેનને મારના જોડા આપત.

પણ માબાપ સમજુ હોય ત્યાં ?