પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
આ તે શી માથાફોડ
 

“ઠીક ઈ પહેરાવું. ઓલી ટોપી પહેરીશ કે આ ?”

“આ.”

“ઠીક, ઈ લે. લ્યો ચાલો હવે આપણે માશીને ત્યાં ઊપડીએ.”

“બા, રસ્તામાં કચેરી આવે છે કે નહિ ?”

“હા, હા, આવે છે તો ખરી. આઘેથી હું તને તારા બાપુ ક્યાં બેસે છે તે બતાવીશ.”

: ૩૨ :
કોનું માનવું ?

બાપા કહે છે: “વહેલા ઊઠવું; વહેલાં ઊઠ્યે અક્કલ વધે.”

બા કહે છે: “ઊંઘ પૂરી થાય ત્યારે ઊઠવું, વહેલાં ઊઠ્યે ઊંઘ બગડે. દિ' બગડે.”

બાપા કહે છે : “થોડું ખાવું; ખૂબ ખાવાથી અળસ વધે.”

બા કહે છે : “ભાવે એટલું જ ખાવું, ભુખ હોય તો જ ખાવું.”

બાપા કહે છે : “એક જ વાર કળશે જવું, સવારમાં જ જવું.”

બા કહે છે : “લાગે ત્યારે જવું; રોકી રાખવું નહિ.”

બાપા કહે છે : “બપોર વચ્ચે ઊંઘવું નહિ; ઈ ટેવ ખરાબ.”

બા કહે છે : “ઊંઘ આવે તો ઊંઘવું; ન આવે તો નહિ.”