પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮
આ તે શી માથાફોડ
 


: ૩૬ :
વિનુ અને શાક

“વિનુભાઈ ! આ શાક કેમ પડ્યું રહ્યું ?”

“બા, હવે નથી ભાવતું.”

“પણ ખાઈ જાવ. કાંઈ પડતું મુકાય છે ?”

“ના બા, હવે નહિ ખવાય; ખૂબ ખાધું છે.”

“ત્યારે પહેલેથી આટલું બધું ભાણામાં શું કામ લીધું ?”

“પણ પહેલેથી શી ખબર કે કેટલું ભાવશે ?”

“પણ શાક નાહકનું પડ્યું રહે એ કાંઈ ઠીક કહેવાય ?”

“તો હવેથી નહિ માગીએ.”

બાપા કહે: “આપણે એમ કરીએ તો, કે પહેલેથી શાક થોડું જ પીરસવું ને પછી ખૂટે એમ આપતા જવું ?”

“તો તો બાપા, બહુ સારું. શાક કોઈ દિવસ પડ્યું જ ન રહે. ને તો નકામો બગાડ પણ ન થાય.”

“વિનુ, શાક પડ્યું નહિ મુકાય ભા ! શાક બગડે ના ?”

“બા, પેટ ભરાઈ ગયું છે. હવે નહિ ભાવે.”

“તે પડ્યું ન મુકાય, શાક બગડે ના ? થોડું પાણી ઓછું પીજે.”

વિનુ ટગર ટગર જોઈ રહ્યો.

બા કહે: “ઘુવડ જેમ સામે શું જુએ છે ? એમ પડ્યું કેમ મુકાય ?”