પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કોઈની દાઝ બાળક ઉપર
૫૧
 

બા કહે છે : “રાંડ આઘી ખસને ! આ શાક બળી ગયું. આખો દિ' કેરી, કેરી ને કેરી !” ધબ્બો ખાઈ રડતી રડતી કમુ બહાર જાય છે.

ચંપાની નણંદ બે દિવસ પિયર આવે. નણંદ એટલે ચંપાને મન આડખીલી. ચંપાનું કર્યું નણંદને ન ગમે ને નણંદનું કર્યું ચંપાને ન ગમે.

ચંપા વહેલી નાહીને માથું ઓળે. નણંદ કહેશે: “આ શા હેવા, અત્યારમાં ઊઠીને ટાપટીપ !” ચંપા ધૂંધવાય.

દાળ ઓરતાં ચંપાના હાથ દાઝ્યા વિજુ રમતી રમતી આવે ને કહે: “બા, આજે મને માથું ઓળી દઈશ ? તને સારું આવડે છે. ફઈને નથી આવડતું.” ચંપા દાઝ ઉતારે: “આઘી મરને ! અત્યારમાં માથું કયાં ઓળું ? તારી ફઈને ક્યાં ગમે છે ? ખસ આઘી. આ દાઝી ગઈ છું. એ જોતી નથી ?” વિજુ વીલે મોઢે પાછી જાય.

રમેશ ઘરમાં આવીને દિલુને કહે : “અરે સાંભળ્યું કે ? આજે બે મહેમાન છે. હું શીખંડ લેવા જા‌ઉં છું. તું પૂરી કરી નાખ.”

દિલુ પાછળથી બબડે છે : “આજ સવારનું માથું ચડ્યું છે ને ઠીક નથી, ને વળી મહેમાન ક્યાં આણ્યા ? વળી બે વાગે જમીને રેલે જાવું છે.”

દિલુ ધૂંવાપૂંવા થતી ધમપછાડા કરતી લોટ ચાળે છે. નંદુ આવે છે; કહે છે : “બા, તને લોટ ચળાવું ? મને આંક આપને ?”