પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
આ તે શી માથાફોડ
 


દિલુ કહે : “કોરે ખસે છે કે નહિ ? મારી સમજજે. આ આટલી ઊતાવળ છે એમાં તું ડાહી થવા આવી ! ત્યાં તારા બાપને ક્યાં ખબર છે કે એમ તે ઝટપટ કેમ થતું હતું !”

નંદુ હળવેક દઈને મોં પાડી બહાર ગઈ.

આજે દુકાનના હિસાબ ગણવામાં છગનલાલની ભૂલ થઈ ને શેઠ તેને વઢ્યા. છગનલાલ ઘેર આવી ચિડાતા ચિડાતા ફરતા હતા. બબુ આવીને કહે : “બાપા, આજે પાગલો પા કરોને ?”

બાપા કહે : “આજે તારી બા પાસે જા; હું કામમાં છું.”

બબુ કહે: “કામમાં ક્યાં છો ? ફરો છો તે રમાડોને ?”

છગનલાલ આંખ લાલ કરીને ઘૂરક્યા : “એલી બબુડી, શું બોલી ? બોલતાં આવડે છે કે નઈ ? ચાલ ચાલી જા, પાગલો પા નથી કરવો. જો એમ ફરી વાર બોલી છે તો !”

બબુ ડરતી ડરતી ઘરમાં ભાગી ગઈ.

હમણાં જ રમણીકલાલ પર મિત્રનો તીખો તમતમતો કાગા આવ્યો. વાંચીને ચિડાયેલા મોઢે મનમાં મિત્રને ભાંડતા રમણીકલાલ ઓસરીમાં આંટા મારે છે. ચંદુ રમતો રમતો આવીને કહે છે: “બાપુ ! ફરવા ચાલોને ? વખત થઈ ગયો.”

બાપુ કહે : “હમણાં વયો જા. આજે નહિ.”

ચંદુ કહે : “બાપા ચાલોને ? હું ને બેન ક્યારનાં કપડાં પહેરી તૈયાર છીએ. આજે બેન્ડ છે.”