પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કોઈની દાઝ બાળક ઉપર
૫૩
 


રમણિક જરા ખીજ્યો. કહે: “અરે, આને ઘરમાં બોલવાને ? મને ગડબડ કરે છે.”

ઘરમાંથી જવાબ મળ્યો : “હું કામમાં છું. તમે એને ફરવા લઈ જાઓ, એ ક્યારનાં તૈયાર થયાં છે. “

છોકરાં કહે : “બાપુ ચાલોને ? બા પણ કહે છે કે ફરવા જાઓ-”

રમણીક ભભક્યો : “બસ જાઓ, નથી જવું આજે ફરવા ! રોજ ને રોજ વળી ફરવાનું શું ? જાઓ ભાગો !”

છોકરાં ખાસિયાણાં પડી પાછાં ગયાં.

‘માધુરી’ માસિક ઉઘાડીને જુએ તો તેમાં પોતાના પુસ્તકનું અવલોકન. તંત્રીએ તેમાં કડક ટીકા કરેલી. ચંદ્રશેખરનો પિત્તો ઊછળ્યો. મનમાં બબડ્યો: “બસ, લોકોને સમાલોચના જ કરતાં નથી આવડતી. ગમે તેવો ભાંગરો વાટે છે.” પોતે જવાબ આપવાનો વિચાર કરતો કરતો કાગળ પેન્સિલ લઈને બેસે છે.

લીલીએ હસતાં હસતાં આવી ચંદ્રના હાથમાં ચાર આઠ ગુલો નાખ્યાં ને બોલી: “ભાઈ, ઓલી ચિત્રની ચોપડી ઉતારી આપોને ?”

ચંદ્ર કહે : “હમણાં જા; મારે લખવું છે.”

લીલી કહે : “ઉતારી આપોને બાપુ? મારે ચિત્ર જોવાં છે.”

ચંદ્ર કહે : “ત્યાં ક્યાં ચિત્રની ચોપડી છે ? ક્યાંક બીજે પડી હશે; પછી વાત.”