પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બતાવો તો?
૫૯
 


બેન કહે છે: “નટુ તો એવો જ છે. એ તો એમ જ ચાલે છે ને પડે છે.”

ખરેખર, આસ્તે આસ્તે નટુને પણ એમ જ લાગે છે કે “ખરેખર હું તો એવો જ છું. મને ચાલતાં આવડતું જ નથી. જ્યાં જાઉં ત્યાં મને ઠેશ લાગે છે.”

બિચારાને કોઇ ચાલવાનું બતાવે તો ? બધાં વાંક જ કાઢયા કરે છે, તેના કરતાં કોઇ ચાલી બતાવે ને કહે કે “આમ ચલાય” તો ? તો ભાઇને ચાલતાં આવડશે.

૨.

“એલી જશલી ! સરખું થોભ, સરખું. જરા થોભતાં તો શીખ !”

“જશી ! વાટકો પડ્યો હો, બાપુ, ધ્યાન રાખીને થોભને ?”

“જશી, જશી તારો હાથ ધ્રૂજે છે. આ ઘડીએ વાટકો પડશે.”

“એ પડ્યો. એ વાટકો પડ્યો' જશી, જશી ! લે નો'તી કે'તી કે વાટકો પડશે ને તૂટી જશે ? આ એના કટકેકટકા થઇ ગયા !”

“અરે ભગવાન ! એને કહી કહીને મરોને ? એને સરખું થોભતાં આવડશે જ નહિ.”

આસ્તે આસ્તે જશીને પણ ખાતરી થાય છે કે “મને સરખું થોભતાં આવડતું નથી. થોભીને ચાલું છું ત્યાં હાથ ધ્રૂજે છે. ને હાથ ધ્રૂજે છે ત્યાં જોરથી પકડવા જાઉં છું ત્યાં તો લીધું હોય તે પડે છે. ત્યારે તો બધાં કહે છે કે