પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
આ તે શી માથાફોડ
 

“બીડી પીવી સારી તો નથી લાગી. પણ છાનોમાનો પીતો હતો, એટલે મજા આવતી હતી !”

“તેમાં મજા શી હતી ?”

“છાનો કરતો હતો, એ જ મજા, એ... કોઇને દેખવા દેતો નથી. કેવો હુશિયાર ? ના પાડે તે કરું છું. મારા જેવો કોઇ નહિ ! એમ.”

“ત્યારે તને બીડી પીવાની રજા આપું છું.”

“તો મને પીવી નથી ગમતી.”

“કેમ ?”

“એ ગમે એવી જ ક્યાં છે ? એ તો છાનામાનામાં મજા હતી. મારે બીડી ક્યાં પીવી છે ? એ તો જરા જોઇ જોયું કે કેવી છે ?”

: ૬ :
નાહકનું શું કામ ?

૧.

એક જણ મને જોઇ નાની બે વરસની છોકરીને કહે: “લો, નમસ્કાર કરો; નમસ્કાર કરો. કરો, કરો, કરો !” નાની છોકરીના હાથ જોડી નમસ્કાર કરાવ્યા. છોકરીને કંઇ લેવાદેવા ન હતી. મને થયું: “નાહકનું શું કામ ?”

૨.

હું દેવદર્શને ગયેલો. બાએ છોકરીને કહ્યું: “જે જે કરો બેટા, જે જે કરો !” છોકરી તો દીવા જોતી હતી.