પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેઆ તે શી માથાફોડ !

: ૧ :

રડતું છાનું રાખવું

“સાંભળ્યું કે ? આ હું તો હીંચકાવી હીંચકાવીને થાકી. મારા તો હાથ દુખવા આવ્યા, રોયાં છોકરાંયે કાંઈ થયાં છે ? દિ' બધો તો કવરાવે પણ રાતે ય સૂવા ન દે. લ્યો હવે આ દોરી તાણો; હું તો આ સૂતી. ને ન તાણો તો રહેવા દ્યો. સવાર સુધી થાકીને ઊંઘી જશે.”

ભાનુલાલે ઘોડિયાની દોરી હાથમાં લીધી. પોતે ભલા માણસ હતા. છોકરાને હીંચોળવા માંડ્યા.

નાનો ચીનુ જરાક છાનો રહે ને પાછો ચીસ પાડી રડે. વળી ભાનુલાલ જરાક મોટા મોટા હીંચકા નાખે એટલે સહેજ જંપે ને વળી પાછો રડવા લાગે.

ભાનુલાલ પણ થાક્યા. તે કહેઃ “કોણ જાણે શું થયું છે ! છોકરો કોઈ દિ’ આમ રાત આખી નથી રોતો. ચાલ જરા ઘોડિયું તો જોઉ.”

ભાનુલાલે દીવો લઈને ઘોડિયું જોયું. ખોયામાં માંકડ ઊભરાયેલા. પાર વિનાના માંકડ ! બિચારા ચીનુને ફોલી ખાતા હતા.

ભાનુલાલે ચીનુને એની બાના પડખામાં આપ્યો. ચીનુ