પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
આ તે શી માથાફોડ
 

ક્વીનાઇન છે ? જો તો બેટા, ઉતાવળમાં ભૂલી ગયો, ખરું ?” દીકરો ક્વીનાઇન લઇ આવ્યો, બાપે કહ્યું: “શાબાશ, ખરો !” મને થયું: “આ બધું નાહકનું શું કામ ?”

૬.

રામચંદ્રને ત્યાં જઇ ચડ્યો. રામચંદ્રે દીકરાને બોલાવી ઓળખાણ કરાવીને કહ્યું: “પેલું નવું ગાયન ગા જોઇએ ?” છોકરાને ગાવું ન ગમ્યું. તે ઊભો રહ્યો. રામચંદ્ર કહે: “કેમ, ગા ને ? આ તો કાકા છે.”

મેં કહ્યું: “જવા દ્યો ને ! રમવા દ્યો.”

રામચંદ્ર કહે: “અરે ! એ તો હમણાં ગાશે. સુંદર ગાય છે !”

છોકરે ગાયું નહિ. રામચંદ્ર કહે: “કેમ રે, ગાય છે કે ? આ શું ? મોટાનું માનતો નથી.”

મેં કહ્યું: “જવા દ્યોને, છોકરાં છે.”

રામચંદ્ર ખિજાઇ ગયા. છોકરાને લગાવી દીધી. “માનતો નથી ?” છોકરે ગાવાને બદલે રુદન કર્યું. મને થયું: “આ નાહકનું શું કામ ?”

૭.

એક સંસ્કારી દેખાતા કુટુંબનો મને અનુભવ થયો. હું બેઠો હતો ને વાત કરતો હતો એટલામાં બાળકો આવ્યાં. તેમના ખોળામાં ફૂલો હતાં. માને હોંશ થઇ આવી કે મને બાળકો ફૂલો આપે. તેણે કહ્યું: “બેટાં, થોડાં ફૂલો ભાઇને તો આપ !”

“ના બા, મારે એનો હાર કરવો છે;”