લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એ મને ન ગમે
૭૭
 


: ૫૫ :
એ મને ન ગમે

⁠બાપા બાને વઢે ને બા બાપાનું મોઢું તોડી લે, એ મને ન ગમે.

⁠બાપા બધાને રોફ મારે ને બા બિચારી કામ કરે, એ મને ન ગમે.

⁠બા બેઠી બેઠી વાંચ્યા કરે ને બાપા ઘરમાં કામ કરે, એ મને ન ગમે.

⁠બા મારી ભેર તાણે ને બાપા મને વઢે, એ મને ન ગમે.

⁠બાપા મારી ભેર તાણે ને બા મને વઢે, એ મને ન ગમે.

⁠બા બેન પાસે કામ કરાવે ને મને કહેશે પાઠ કર, એ મને ન ગમે.

⁠બાપા બેનને રમાડે ને મને બધું કામ ચીંધે, એ મને ન ગમે.

⁠બા બેનને વખાણે ને મને કહેશે ‘અળખામણો’, એ મને ન ગમે. બા મને ડાહ્યો કહે ને બેનને બા ગાળ દે, એ મને ન ગમે.

❊