પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
આ તે શી માથાફોડ
 

આવે વખતે છોટુને આપવું કે ન આપવું તેનો વિચાર પહેલેથી જ કરવો. પછી આપવું હોય તેટલું જ આપવું. છતાં બાળક રડે તો ગણકારવું નહિ; પીગળી જવું નહિ. બાળકને ખાતરી થવા દેવી કે માગણી ચાલશે નહિ. માંદા બાળકને દુઃખ દેવાનો હેતુ ન હોય; તેને પ્રસન્ન રાખવું ઘટે છે. પણ તેને માંદુ પડે તેવું આપીને તો નહિ જ ! તેને બીજી પ્રવૃત્તિ આપીને રડવામાંથી બચાવી લઈ શકીએ તો વધારે સારું.

: ૫૭ :
તારી મદદ નો’તી જો’તી

નાની ચાર વર્ષની વિજુ મારી પાસે બેસીને જમતી હતી. ભાણામાં ખીચડી હતી ને ખીચડીમાં ઘી હતું. વિજુએ ખીચડી સામે જોયું. હાથ લંબાવી ખીચડી કસણવા લાગી. ઘી આમથી તેમ જવા લાગ્યું. વળી વિજુએ હાથ એક બે વખત ઉપાડી લીધો.

મને થયું કે આવડતું નથી તેથી દાઝે છે. મેં ઝટ કરીને હાથ લંબાવ્યો ને ખીચડી કસણી આપી. ખીચડી દઝાય તેવી ન હતી.

વિજુનું મોં પડી ગયું. તે કહેતી હોય એમ લાગ્યું કે "એ તો મારે કરવું હતું ને તમે ક્યાં કર્યું ? મને તો આવડતું હતું. તમારી મદદ નો'તી જો'તી."

રાતે અમે સૌ ગાદલાં ગોદડાં પાથરતાં હતાં. મોટા મોટા ખાટલા મેં ઢાળ્યા; ગાદલાં હું નાખતો હતો. સુબજી