પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
આ તે શી માથાફોડ
 

આ વખતે તો જાતે જ ચડીને ઉપર ગયો. તેણે વગર બોલ્યે મને કહી દીધું કે "મારે પોતે જ ચડવું હતું. શું કામ મને ચઢાવ્યો ? મારે તમારી મદદ નો’તી જો’તી.”

અમે બધાં સાજે ફરવા નીકળેલાં; મોટાંઓ હતાં ને બાળકો પણ હતાં. નાની અઢી ત્રણ વર્ષની બાલુ પણ હતી. બધાં ચાલ્યાં જતાં હતાં. બાલુ પણ સૌની સાથે ચાલતી હતી.

થોડેક ગયાં એટલે એની બાએ કહ્યું: "આ બાલુને તેડી લ્યો. થાકી ગઈ હશે.”

મેં એને તેડી લીધી. તેડી તો ખરી પણ એ તો પગ તરફડાવવા માંડી. રડવા જેવી થઈ ગઈ. હાથેથી લપસવા લાગી ને ભારેખમ થઈ ગઈ.

સૌ કહે: “ત્યારે ચાલવું હોય તો ચાલવા દ્યોને ? થાકશે ત્યારે એની મેળાએ અટકશે.”

બાલુ નીચે ઊતરી દોડવા લાગી. પણ પાછું વાળીને જાણે કહેતી જતી હતી કે “હજી હું થાકી ન હતી; મારે હજી ચાલવું હતું. મારે તમારી મદદ નો'તી જો'તી.”

લખુ છ સાત વરસનો. પાટી અને કાંકરો લઈ લખવા બેઠો હતો. વારે વારે કંઈક કાઢતો હતો ને ભૂંસતો હતો.

મને થયું કે આ તે શું કરે છે ? મેં જઈને જોયું તો કાંઈક કાઢવા તે મથતો હતો. મેં કહ્યું: “અલ્યા શું લખે છે ?”

લખુ કહે: “ ‘ઈ’ કાઢું છું.”