પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કયું ભણતર સાચું ?
૮૩
 

મેં કહ્યું: “એમાં વાર શી છે ?”

એમ કહીને હાથ પકડી કાંકરો ફેરવાવી પાટી ઉપર 'ઈ' કાઢી દેવરાવ્યો “જો આમ ‘ઈ’ થાય. આવી રીતે કર.”

લખુ મારી સામે જોઈ રહ્યો. પછી બોલ્યો: "મને આવો 'ઈ' કાઢતાં તો કે દિ'નો આવડે છે. પણ અમારી નિશાળના પૂંઠા પર કાઢેલો છે તેવો સરસ મજાનો 'ઈ' કાઢતાં હું શીખતો હતો ! 'ઈ' કાઢતાં તો મારી મેળે અવાડત. મારે તમારું કામ નહોતું."

: ૮ :
કયું ભણતર સાચું ?

છોકરે પાટી, પેન અને પુસ્તક કાઢ્યાં.

શિક્ષકે ઇતિહાસ ભણાવ્યો. છોકરો ભણ્યો: અકબરનો બાપ હુમાંયુ હતો; ઐરંગઝેબ ઈ.સ. ૧૭૦૭માં ગુજરી ગયો.

શિક્ષકે ભૂગોળ ભણાવી. છોકરો ભણ્યો: ભાવનગરથી મુંબઈ પાંચસો માઈલ દૂર છે. સાબરમતીને કાંઠે અમદાવાદ શહેર આવ્યું છે.

શિક્ષકે ગણિત ભણાવ્યું. છોકરો ભણ્યો: છ માણસ ગાડીમાં બેઠા છે. દરેક માણસ પાસે ૩૪૫ રૂપિયા છે તો બધા જણા પાસે કેટલા રૂપિયા થયા.

શિક્ષકે કવિતા ભણાવી. છોકરો બોલી ગયો :-

“ઓ ઈશ્વર ! તું એક છે,
સરજ્યો તેં સંસાર.”